Dahod

દાહોદ રેલવે સ્ટેશનને મળશે આધુનિક ઓળખ: 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડરનું સફળ લોન્ચિંગ

મુંબઈ–દિલ્હી વ્યસ્ત રૂટ પર ટ્રેન વ્યવહારને અસર કર્યા વિના પૂર્ણ થઈ જટિલ કામગીરી
દાહોદ, તા. 2 : પશ્ચિમ રેલવેના રતલામ મંડળ હેઠળ દાહોદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણના ભાગરૂપે નિર્માણાધીન 12 મીટર પહોળા આધુનિક ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મુંબઈ–દિલ્હી જેવા અતિ વ્યસ્ત રેલમાર્ગ પર એકપણ મુસાફર ટ્રેનના સંચાલનને અસર કર્યા વિના આ જટિલ કામગીરી પૂર્ણ થતાં રેલવે વિભાગની આયોજન ક્ષમતાની પ્રશંસા થઈ રહી છે.

રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યું હતું કે નવો ફૂટ ઓવર બ્રિજ દાહોદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મને તેમજ સ્ટેશનના બંને તરફ આવેલા સર્ક્યુલેટિંગ એરિયાને જોડશે, જેના કારણે મુસાફરોને પ્લેટફોર્મ બદલવામાં વધુ સુરક્ષા અને સરળતા મળશે.
ત્રણ લિફ્ટ સહિત આધુનિક સુવિધાઓથી મુસાફરોને મળશે વધુ સગવડ
આધુનિક ફૂટ ઓવર બ્રિજ પર ત્રણ લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે, જેનાથી વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, મહિલાઓ અને અન્ય મુસાફરોને અવરજવરમાં વિશેષ સહુલિયત મળશે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ બ્રિજની કુલ લંબાઈ 71.20 મીટર છે, જેમાં પ્લેટફોર્મ નં. 1 અને 2 વચ્ચે 27.95 મીટર તેમજ પ્લેટફોર્મ નં. 3 અને 4 વચ્ચે 30 મીટરનો સ્પાન આવરી લેવામાં આવ્યો છે.

ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થયા બાદ હવે સ્પાન નિર્માણ સહિતના અન્ય માળખાકીય કામ તબક્કાવાર હાથ ધરાશે. નિર્ધારિત સમયમર્યાદામાં ફૂટ ઓવર બ્રિજનું કામ પૂર્ણ કરીને તેને મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવશે. દાહોદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફર સુવિધાઓના વિસ્તરણમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top