SURAT

સુરત CP અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદના પોલીસ કમિશનર, સુરતના નવા CPને લઈને અટકળો તેજ

રથયાત્રા પહેલાં રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મહત્વની નિમણૂક કરી છે. સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જી.એસ. મલિકને રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ છેલ્લા 25 દિવસથી અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી હતું. હવે આ મહત્વપૂર્ણ જગ્યાએ અનુભવી અધિકારીની નિમણૂક થતાં શહેરની કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આવી સ્થિતિમાં અનુભવી અધિકારીને અમદાવાદ પોલીસની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનુપમસિંહ ગેહલોત લાંબા સમયથી ગુજરાત પોલીસમાં વિવિધ મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેઓ અગાઉ ભાવનગર અને પાટણમાં જિલ્લા પોલીસ વડા (SP) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ વડોદરા રેન્જના IG તરીકે તેમની નિમણૂક થઈ હતી. રાજકોટ પોલીસ કમિશનર અને ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનર તરીકે પણ તેમણે કામગીરી સંભાળી હતી. વચ્ચે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં પણ ફરજ બજાવી ચૂક્યા છે. બાદમાં ફરી વડોદરા પોલીસ કમિશનર તરીકે સેવા આપ્યા પછી સુરત પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. હવે તેઓ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મહત્વપૂર્ણ શહેરની પોલીસની કમાન સંભાળશે.

જી.એસ. મલિકને 6 જૂન, 2026ના રોજ ગુજરાતના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી થયું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ વ્યવસ્થા હેઠળ કામગીરી ચાલી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ મહત્વપૂર્ણ પોસ્ટ માટે અનેક સિનિયર IPS અધિકારીઓના નામ ચર્ચામાં હતા. જેમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, CBIમાં ફરજ બજાવતા મનોજ શશીધરન અને ACBના ડિરેક્ટર પિયુષ પટેલના નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. આખરે રાજ્ય સરકારે અનુપમસિંહ ગેહલોતના નામ પર અંતિમ મહોર મારી છે.

અનુપમસિંહ ગેહલોત ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને તેમણે B.E. તેમજ M.Tech સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત પોલીસમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા ગેહલોતે રાજ્યના અનેક મહત્વપૂર્ણ શહેરોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને અમદાવાદ જેવી સંવેદનશીલ જવાબદારી તેમને સોંપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેમની સામે અનેક પડકારો રહેશે. શહેરમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવી સૌથી મોટી જવાબદારી રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઇન ફ્રોડ, ડેટા ચોરી, નકલી રોકાણ યોજનાઓ અને ડિજિટલ છેતરપિંડી જેવા ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવી પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ રહેશે.

આ ઉપરાંત અમદાવાદમાં સતત વધી રહેલા વાહનોને કારણે ટ્રાફિક વ્યવસ્થાપન પણ મોટો પડકાર છે. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું, અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી પણ પોલીસ માટે મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવી અને રથયાત્રા સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવી પણ તેમની અગત્યની ફરજ રહેશે.

બીજી તરફ અનુપમસિંહ ગેહલોતની અમદાવાદમાં બદલી થતાં હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી થયું છે. રાજ્ય સરકાર તરફથી હજુ સુધી નવા પોલીસ કમિશનરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે પોલીસ વિભાગમાં ચાર સિનિયર IPS અધિકારીઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે. તેમાં રાજકુમાર પાંડિયન, મનોજ શશીધરન, પિયુષ પટેલ અને નરસિમ્હા કોમારનો સમાવેશ થાય છે. ખાસ કરીને રાજકુમાર પાંડિયન અને પિયુષ પટેલ અગાઉ સુરત રેન્જના IG તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા હોવાથી સુરત શહેરની સ્થિતિ અને સ્થાનિક પોલીસ વ્યવસ્થાનો તેમને સારો અનુભવ છે. તેથી નવા સુરત પોલીસ કમિશનર તરીકે આ બંને અધિકારીઓના નામને વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કોના પક્ષમાં કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top