Vadodara

₹363 કરોડના RCC હાઈવેના કામનું રાજ્યસભાના સાંસદ ડૉ, જશવંતસિંહ પરમારે કર્યું નિરીક્ષણ

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર 45 કિમીના રોડનું કામ પ્રગતિમાં; અધિકારીઓ સાથે ગુણવત્તા અંગે કરી ચર્ચા

પ્રતિનિધિ, ગોધરા, તા. 2

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે (NH-47) પર લાડવેલથી પંચમહાલ જિલ્લાના વાવડી ટોલ પ્લાઝા સુધી અંદાજે 45 કિલોમીટર લાંબા RCC રોડના નિર્માણ કાર્યનું રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અને ગુણવત્તા અંગે ચર્ચા કરી હતી.

અમદાવાદ-ગોધરા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી રોડની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ મુદ્દે વિવિધ સ્તરે રજૂઆતો બાદ રોડના કાયમી ઉકેલ માટે RCC રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹363 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને હાલમાં કામ પ્રગતિમાં છે.

મળતી માહિતી મુજબ, અગાઉ રોડની સ્થિતિ અંગે ટેકનિકલ સર્વે કરાવી તેનો અહેવાલ સંબંધિત સત્તાવાળાઓને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા RCC રોડ માટે મંજૂરી આપવામાં આવી હતી. હાલ આ કામગીરી તબક્કાવાર ચાલી રહી છે અને આગામી આશરે 18 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે.

નિરીક્ષણ દરમિયાન સાંસદે અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી તેમજ ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાઈવેનું કામ સમયમર્યાદામાં અને નિર્ધારિત ધોરણો મુજબ પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.

અમદાવાદ-ગોધરા માર્ગનો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહનચાલકોને વધુ સુગમ અને સલામત મુસાફરીની સુવિધા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર :- આશિષ બારીયા

Most Popular

To Top