Vadodara

એસટી કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, એરિયર્સ સાથે મળશે લાભ

મુખ્યમંત્રીની મંજૂરી બાદ DA 55% થી વધીને 58% થયું,નિગમ પર 24 કરોડનો વધારાનો બોજ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કર્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી હાલ 55 ટકાના દરે મળતું ડીએ હવે વધારીને 58 ટકા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્ર કર્મચારીઓને મળશે. માત્ર વધારેલા મોંઘવારી ભથ્થાનો જ નહીં, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ નિર્ણયના કારણે એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ કર્મચારીઓને સીધો આર્થિક લાભ થશે. નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયને એસટી કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓને વધતી મોંઘવારીની અસર સામે આર્થિક સુરક્ષા આપવા માટેનું વધારાનું ભથ્થું છે. સામાન્ય રીતે દર છ મહિને મોંઘવારીના દરને આધારે ડીએમાં ફેરફાર કરવામાં આવે છે અને કર્મચારીના મૂળ પગારના આધારે તેની ગણતરી થાય છે. એસટી કર્મચારીઓ લાંબા સમયથી ડીએમાં વધારાની માંગ કરી રહ્યા હતા. સરકારે 3 ટકાનો વધારો મંજૂર કરતા હવે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top