અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા પર્દાફાશ કરાયેલા બ્લડ પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં હવે વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસમાં જપ્ત કરાયેલા તમામ 1,140 બ્લડ પ્લાઝ્મા યુનિટની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે તમામ ભેળસેળયુક્ત, નીચી ગુણવત્તાવાળા અને માનવ ઉપયોગ માટે સંપૂર્ણપણે અયોગ્ય હતા. જોકે આ સમગ્ર મામલે સૌથી મોટી રાહતની વાત એ છે કે અત્યાર સુધીની તપાસમાં ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંકમાં આ ભેળસેળયુક્ત પ્લાઝ્મા પહોંચ્યાના કોઈ પુરાવા મળ્યા નથી. થોડા દિવસો પહેલા અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાંથી નકલી અને ભેળસેળયુક્ત બ્લડ પ્લાઝ્માનું મોટું રેકેટ ઝડપ્યું હતું. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, જીતેન્દ્ર સોલંકી અને રફીક તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું કે છેલ્લા લગભગ છ મહિનાથી આ આરોપીઓ અસલી બ્લડ પ્લાઝ્મામાંથી થોડો ભાગ કાઢીને તેની જગ્યાએ સ્લાઇન વોટર (મીઠાવાળું પાણી) ભેળવી ફરીથી પેકિંગ કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સુધી પહોંચાડતા હતા.

મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ પ્લાઝ્મા કલેક્શન સંબંધિત કંપનીમાં કામ કરી ચૂક્યો હોવાથી તેને સમગ્ર પ્રક્રિયાની સારી જાણકારી હતી. તે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાઝ્મામાંથી થોડું પ્લાઝ્મા કાઢીને એટલી જ માત્રામાં સ્લાઇન વોટર ઉમેરી દેતો હતો. બહારથી જોતા પ્લાઝ્માનું પ્રમાણ સરખું લાગતું, પરંતુ તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ જતી. આ ભેળસેળયુક્ત પ્લાઝ્મા પછી ફાર્મા કંપનીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને કો-ડ્રાઈવર રફીક જ્યારે મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકમાંથી પ્લાઝ્મા લઈને નીકળતા ત્યારે તેઓ પહેલા દિનેશને જાણ કરતા હતા. ત્યારબાદ વાહનને ચાંગોદર ખાતે આવેલા એક સ્થળે લાવવામાં આવતું હતું, જ્યાં અસલી પ્લાઝ્માના પાઉચ કાઢીને તેની જગ્યાએ ભેળસેળવાળા પાઉચ મૂકી દેવામાં આવતા હતા. ત્યારબાદ આ વાહન ફરીથી ફાર્મા કંપની તરફ મોકલી દેવામાં આવતું હતું.
ફાર્મા કંપનીઓ જ્યારે લેબોરેટરીમાં પ્લાઝ્માની ગુણવત્તાની તપાસ કરતી ત્યારે કેટલાક પાઉચ ખરાબ હોવાનું બહાર આવતું. તેના કારણે સંબંધિત બ્લડ બેંકોને નુકસાન સહન કરવું પડતું અથવા તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવતી હતી. બીજી તરફ ચોરી કરાયેલા અસલી પ્લાઝ્માને પણ યોગ્ય કોલ્ડ ચેઇનમાં રાખવામાં આવતું નહોતું. પરિણામે તેની ગુણવત્તા પણ બગડી જતી હતી. ત્યારબાદ તે પ્લાઝ્મા મહારાષ્ટ્રના આરોપી મોહન ગાયકવાડને વેચી દેવામાં આવતું હતું. આ કેસની તપાસ હવે ગુજરાતની બહાર મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. પોલીસને જાણવા મળ્યું છે કે દિનેશ ચૌધરીના સંપર્ક વાશીમ, ઝાલના, અહેમદનગર, જીવન જ્યોત, સંજીવની, ધનવંતરી, લાયન્સ અને શ્રી ગજાનંદ સહિત અનેક બ્લડ બેંકો સાથે હતા. હવે પોલીસે આ તમામ બ્લડ બેંકોના સંચાલકોની પૂછપરછ શરૂ કરી છે અને ત્યાંથી સપ્લાય થયેલા પ્લાઝ્માની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર, બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના ફોરેન્સિક રિપોર્ટમાં જપ્ત કરાયેલા તમામ 1,140 પ્લાઝ્મા યુનિટ માનવ ઉપયોગ માટે સંપૂર્ણપણે અયોગ્ય હોવાનું સ્પષ્ટ થયું છે. આ અહેવાલ બાદ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળીને બ્લડ બેંકોની કામગીરી અને સુરક્ષા સંબંધિત નિયમોની પણ સમીક્ષા કરી રહ્યા છે. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં 100થી વધુ ભેળસેળયુક્ત પ્લાઝ્મા યુનિટ બજારમાં મોકલવામાં આવ્યા હતા. એક નકલી પ્લાઝ્મા યુનિટ આશરે ₹5 હજારમાં વેચવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અમેરિકાની USFDA દ્વારા અમદાવાદની એક ફાર્મા કંપનીના પ્લાઝ્મા સેમ્પલને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સપ્લાય ચેઇનની તપાસ શરૂ થતાં આખું નેટવર્ક બહાર આવ્યું.
સામાન્ય રીતે બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ ગંભીર દર્દીઓની સારવાર તેમજ કેન્સર સહિતની મહત્વપૂર્ણ દવાઓ બનાવવામાં થાય છે. તેથી આવા પ્લાઝ્મામાં ભેળસેળ કરવી એ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ માનવજીવન સાથેનો ગંભીર ખેલ પણ છે. જોકે આ સમગ્ર મામલે સૌથી મોટી રાહત એ છે કે અત્યાર સુધીની તપાસમાં ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંકમાં આ ભેળસેળયુક્ત પ્લાઝ્મા પહોંચ્યાના પુરાવા મળ્યા નથી. પોલીસ હવે મહારાષ્ટ્ર પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે મળીને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આ કેસનો વિગતવાર અહેવાલ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.