Entertainment

શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ તેના ટાઇટલને લઈને મહારાષ્ટ્રમાં વિરોધ શરૂ થયો છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના જાણીતા લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત છે. જોકે ફિલ્મનું નામ ‘વિઠાબાઈ’ રાખવાને બદલે ‘ઈઠા’ રાખવામાં આવ્યું હોવાથી રાજકીય પક્ષો અને વિઠાબાઈના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે. સૌપ્રથમ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ ફિલ્મના ટાઇટલ સામે વિરોધ નોંધાવ્યો હતો. પક્ષનું કહેવું છે કે જ્યારે આખી ફિલ્મ વિઠાબાઈ જેવા મહાન લોકકલાકારના જીવન પર આધારિત છે, ત્યારે ફિલ્મના નામમાં પણ તેમનું નામ હોવું જોઈએ. પાર્ટીના નેતાઓનું માનવું છે કે હાલનું ટાઇટલ વિઠાબાઈના યોગદાનને યોગ્ય સન્માન આપતું નથી.

હવે આ વિવાદમાં વિઠાબાઈના પરિવારજનો પણ જોડાયા છે. મીડિયા અહેવાલો અનુસાર, વિઠાબાઈના પુત્રો કૈલાશ નારાયણગાંવકર, રાજેશ નારાયણગાંવકર અને તેમના પૌત્ર મોહિત નારાયણગાંવકરએ પણ ફિલ્મના ટાઇટલ પર વાંધો વ્યક્ત કર્યો છે. પરિવારનું કહેવું છે કે ફિલ્મ જો તેમની માતાના જીવન પર બની રહી છે, તો ફિલ્મનું નામ પણ ‘વિઠાબાઈ’ અથવા તેમના નામ સાથે જોડાયેલું હોવું જોઈએ. તેમણે ફિલ્મના નિર્માતાઓને ટાઇટલ બદલવાની માંગ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયેલા બાબાસાહેબ પાટીલએ પણ ફિલ્મના ટાઇટલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે વિઠાબાઈએ લાવણી અને તમાશા જેવી લોકકલાને નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવી મહાન કલાકારના જીવન પર ફિલ્મ બનતી હોય અને તેમના નામનો જ ઉલ્લેખ ન કરવામાં આવે, તે યોગ્ય નથી. જોકે અત્યાર સુધી ફિલ્મના નિર્માતાઓ કે નિર્દેશક તરફથી આ સમગ્ર વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે વધતા વિરોધ વચ્ચે ફિલ્મનું ટાઇટલ બદલવામાં આવે છે કે પછી મેકર્સ પોતાના નિર્ણય પર અડગ રહે છે.

શ્રદ્ધા કપૂરની આ ફિલ્મનું નિર્દેશન જાણીતા નિર્દેશક લક્ષ્મણ ઉટેકર કરી રહ્યા છે. તેમણે અગાઉ ‘મિમી’, ‘જરા હટકે જરા બચકે’ અને ‘છાવા’ જેવી સફળ ફિલ્મો આપી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હુડ્ડા અને અનંત જોશી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર 23 જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું, જ્યારે ફિલ્મ 28 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

વિઠાબાઈ નારાયણગાંવકર મહારાષ્ટ્રના લોકકલા ક્ષેત્રનું ખૂબ મોટું નામ માનવામાં આવે છે. તેમનો જન્મ વર્ષ 1935માં એક કલાકાર પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમણે મંચ પર ગાયન અને નૃત્ય શરૂ કર્યું હતું. પોતાની અનોખી અદાકારી, ગાયકી અને લાવણી નૃત્યના કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. વિઠાબાઈને લોકો પ્રેમથી ‘લાવણી સમ્રાજ્ઞી’ તરીકે ઓળખતા હતા. તેમણે માત્ર લાવણીને જ નહીં, પરંતુ મહારાષ્ટ્રની પરંપરાગત તમાશા કલાને પણ નવી ઓળખ અપાવી હતી. તેમના લાંબા કલાજીવન દરમિયાન તેમને અનેક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમના જીવન પર અગાઉ 2019માં ‘વિઠા’ નામની એક મરાઠી શોર્ટ ફિલ્મ પણ બની હતી, જેમાં તેમના સંઘર્ષ, મહેનત અને સફળતાની સફર રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2002માં તેમના અવસાન બાદ પણ તેઓ મહારાષ્ટ્રની લોકકલાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાં ગણાય છે.

હાલમાં ફિલ્મના ટાઇટલને લઈને ઊભા થયેલા વિવાદે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, તો બીજી તરફ રાજકીય પક્ષો અને પરિવારજનોએ ટાઇટલ બદલવાની માંગ વધુ જોરશોરથી ઉઠાવી છે. હવે ફિલ્મની રિલીઝ પહેલાં આ વિવાદ કેવી રીતે ઉકેલાય છે અને મેકર્સ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top