( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. કાલાઘોડાથી સ્ટેશન તરફ જઈ રહેલી પેસેન્જર ભરેલી રીક્ષા અને એક્ટિવા વચ્ચે બીઓબી બેંક પાસે ટક્કર થતાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતના પગલે રીક્ષામાં સવાર બેથી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. જોકે સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી આવીને સમયસૂચકતા વાપરી રીક્ષાને સીધી કરી હતી અને તમામ પેસેન્જરને સહીસલામત બહાર કાઢ્યા હતા. સદનસીબે મુસાફરોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકે ઘટનાસ્થળે જ રિક્ષા ચાલક પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં રિક્ષા ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.