Vadodara

વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ

કપુરાઈ પોલીસના વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર આવેલા યોગી રેસિડન્સીના મકાનમાં દરોડાથી ભાંડો ફૂટ્યો, મકાન માલિક કમિશન લઈને જુગાર રમાડતો હતો, રોકડ રકમ મળી રૂ. 2.52 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા તા.29
વડોદરા શહેરમાં કાયદાના ડર વિના રહેણાંક વિસ્તારમાં ચાલતા એક હાઈટેક જુગારધામનો કપુરાઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર આવેલા યોગી રેસિડન્સીના એક મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હતો. મકાન માલિકે જુગારને વ્યવસાયનું સ્વરૂપ આપી ખેલાડીઓ પાસેથી રોકડ રકમ લઈ તેના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપવાની વ્યવસ્થા ઉભી કરી હતી. દરેક બાજીમાંથી રૂ. 50 કમિશન વસૂલીને જુગારધામ ચલાવાતું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
બાતમીના આધારે કપુરાઈ પોલીસની ટીમે મકાન પર અચાનક દરોડો પાડતા અંદર જુગારની મહેફિલ જામેલી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી મકાન માલિક સહિત કુલ 9 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રોકડ રૂપિયા, 8 મોબાઇલ ફોન, બે વાહનો, પ્લાસ્ટિકના કોઈન સહિત રૂ. 2.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામમાં બહારથી લોકોને બોલાવી નિયમિત રીતે જુગાર રમાડવામાં આવતો હતો અને સંચાલક દરેક બાજીમાંથી કમિશન મેળવી નફો કમાતો હતો. સમગ્ર કાર્યવાહી બાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top