Vadodara

ઉંડેરા ગામે જૂની અદાવતમાં ધિંગાણું,સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો

પેટ્રોલ પંપ પાસે ગેરેજ બહાર બે જૂથ વચ્ચે મારામારી

સામસામે ફરિયાદ નોંધાઈ,જાનથી મારી નાખીશની ધમકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા શહેરના ઉંડેરા ગામ ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસેના ગેરેજ બહાર જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રથમ ફરિયાદ મુજબ, અજયનગર, જલારામ મંદિર પાસે રહેતા વેપારી યુવકને રાત્રે આશરે 9:50 વાગ્યાના સુમારે સંદીપ ગીરી અને વિશાલ વણઝારા નામના બે શખ્સોએ ફોન કરીને જૂના ઝઘડાનું સમાધાન કરવાનું કહીને દીપકભાઈ યાદવના ગેરેજ પાસે બોલાવ્યો હતો. ફરિયાદી ગેરેજ બહાર પહોંચતા જ આરોપી રાહુલ ગીરી અને સંદીપ ગીરીનો ભાઈ પણ ત્યાં આવી ગયા હતા. ચારેય જણાએ ભેગા મળીને ફરિયાદી સાથે ગંદી ગાળો બોલી બોલાચાલી શરૂ કરી દીધી હતી. દરમિયાન રાહુલ ગીરીએ પ્લાસ્ટિકની પાઇપ વડે ફરિયાદીના પીઠના ભાગે અને જમણા હાથની કોણીના ભાગે માર માર્યો હતો. સાથે જ રાહુલ ગીરી અને વિશાલ વણઝારાએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપીઓએ આજે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બીજી તરફ, વણઝારા નગરમાં રહેતા યુવકે સામે ફરિયાદ નોંધાવી છે કે, તે દીપકભાઈ યાદવના ગેરેજમાં દીલીપભાઈ પરમાર અને સૌરભ પરમાર સાથે બેઠો હતો. તે દરમિયાન વેપારી યુવક અને તેના મિત્ર સંદીપ ગીરીએ તેને ગેરેજની બહાર બોલાવ્યો હતો. જૂના ઝઘડાનું સમાધાન કરવા બાબતે સમજાવતા વેપારી યુવક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો બોલીને આજે તો તને છોડીશ નહીં તેવી ધમકી આપી હતી અને કેડ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. જવાહરનગર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top