Vadodara

વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ

વીજ લોડ વધતાં શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન

GEBએ વીજ પુરવઠો કાપી સમારકામ હાથ ધર્યું,કોઈ જાનહાનિ નહીં

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે અને અસહ્ય અકળામણ વધી રહી છે. ત્યારે વાસણા-ભાયલી રોડ પર આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આ માર્ગ પર આવેલી જાણીતી અર્થ આલ્ફા બિલ્ડિંગ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના લોકોમાં અને રાહદારીઓમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે. ગરમીના કારણે વીજ લોડ વધતાં શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક જાગૃત નાગરિકોએ સમયસૂચકતા વાપરીને આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મેસેજ મળતાની સાથે જ વાસણા ફાયર સ્ટેશનની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. લાશ્કરોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સાવચેતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો ક્ષણિક કાપી નાખ્યો હતો અને લાઈનનું સમારકામ હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ત્વરિત કામગીરીને કારણે દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

Most Popular

To Top