Sports

વૈભવ સૂર્યવંશીને ફરી રાહ જોવી પડી, બીજી T20માં પણ ડેબ્યૂની તક મળી નહીં

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બેલફાસ્ટમાં રમાઈ રહેલી બીજી T20 મેચમાં પણ યુવા બેટર વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નથી. પ્રથમ મેચમાં પણ ટીમની બહાર રહેલા વૈભવને બીજી મેચમાં પણ પ્લેઇંગ-11માં સ્થાન ન મળતાં તેના ચાહકો નિરાશ થયા છે. જોકે ભારતીય ટીમે આ મુકાબલામાં બે નવા ખેલાડીઓને તક આપી છે. પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેએ ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદની સંભાવના અને પીચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે હાર્યા બાદ ભારત માટે આ મુકાબલો ‘કરો અથવા મરો’ જેવો બની ગયો છે. જો આયર્લેન્ડ આ મેચ પણ જીતી જાય તો પ્રથમ વખત ભારત સામે કોઈ દ્વિપક્ષીય T20 શ્રેણી પોતાના નામે કરશે.

મેચની શરૂઆતમાં આયર્લેન્ડે આક્રમક અંદાજ અપનાવ્યો હતો. પ્રથમ ઓવરમાં જ 18 રન આવ્યા હતા. જોકે ત્યારબાદ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી. આયર્લેન્ડની ટીમને માત્ર ત્રણ બોલના અંતરમાં બે મોટા ઝટકા લાગ્યા. પ્રથમ સફળતા હર્ષિત રાણાએ અપાવી, જ્યારે ત્યારબાદ તરત જ અર્શદીપ સિંહે પણ વિકેટ ઝડપી ભારતને મેચમાં મજબૂત શરૂઆત અપાવી. ભારત તરફથી રમનારી ટીમમાં સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, કેપ્ટન શ્રેયસ અય્યર, તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવનો સમાવેશ થયો છે. ખાસ વાત એ છે કે ભારતને 513 દિવસ બાદ નવા T20 ડેબ્યૂ ખેલાડીઓ મળ્યા છે. છેલ્લે જાન્યુઆરી 2025માં હર્ષિત રાણાએ ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. હવે સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવ ભારત તરફથી T20 રમનારા 120મા અને 121મા ખેલાડી બન્યા છે. આ ભારતના T20 ઇતિહાસમાં બે ડેબ્યૂ વચ્ચેનો સૌથી લાંબો સમયગાળો પણ છે. પ્રથમ મેચમાં ભારતની બોલિંગ અને કેપ્ટનશીપ બંને સવાલોના ઘેરામાં આવી હતી. શરૂઆતમાં ત્રણ વિકેટ ઝડપી લીધા બાદ બોલરો દબાણ જાળવી શક્યા નહોતા અને આયર્લેન્ડે મેચ પોતાના પક્ષે ફેરવી દીધી હતી. હવે બીજી મેચમાં ભારતીય ટીમ શ્રેણી બચાવવા માટે મેદાનમાં ઉતરી છે.

Most Popular

To Top