ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ આપ્યા*
કરજણ: કરજણ તાલુકાના પવિત્ર નર્મદા કિનારે આવેલા નારેશ્વરધામ ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની કર્મભૂમિમાં કાર્યરત શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતી સરાહનીય પહેલ કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ભક્ત પરિવારોના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નારેશ્વર આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસના હસ્તે વિદ્યાર્થીઓને દફતર, ચોપડાં, કંપાસ બોક્સ સહિત અભ્યાસ માટેની જરૂરી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક કીટ પ્રાપ્ત કરતા બાળકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસની ઝલક જોવા મળી હતી.
આ પ્રસંગે યોગેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનમાં સફળતા અને સંસ્કારનું સૌથી શક્તિશાળી સાધન છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને અભ્યાસ માટે જરૂરી સાધન-સામગ્રી મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ખંતપૂર્વક અભ્યાસ કરીને પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી.
તેમણે ભગવાન શ્રી દત્તાત્રેય તથા ગુરુહરિ શ્રી રંગ અવધૂત મહારાજના આશીર્વાદ બાળકો પર સદાય વરસતા રહે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સમાજસેવામાં લોકોપયોગી બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ટ્રસ્ટની આ ઉમદા પહેલને વાલીઓ, ભક્તજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા હાર્દિક બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
રિપોર્ટર : મુકેશ અઠોરા