World

વેનેઝુએલામાં વિનાશનો ભયાનક મંજર: કાટમાળમાંથી સતત મળી રહી છે લાશો, મૃત્યુઆંક 1,430ને પાર

3 હજારથી વધુ ઘાયલ, હજારો લોકો બેઘર:7.2 અને 7.5ની તીવ્રતાના ડબલ ભૂકંપે મચાવ્યો કહેર; બચાવ કામગીરી વચ્ચે હજુ હજારો લોકો લાપતા, આફ્ટરશોકનો ખતરો યથાવત

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. સતત વધી રહેલા મૃત્યુઆંક અને કાટમાળમાંથી મળી રહેલી લાશોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 1,430 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

બુધવારે આવેલા 7.2 અને 7.5 મેગ્નિટ્યૂડના બે શક્તિશાળી ભૂકંપોએ ઉત્તર વેનેઝુએલાના વિશાળ વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. બંને ભૂકંપ વચ્ચેનો સમય ખૂબ ઓછો હોવાથી અનેક ઇમારતો એક પછી એક ધરાશાયી થઈ ગઈ, રાજધાની કરાકાસ સહિત લા ગુએરા, કારાબોબો અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા એક સદીમાં વેનેઝુએલામાં આવેલો આ સૌથી વિનાશકારી ભૂકંપ છે.સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર લા ગુએરા રહ્યો છે. અહીં સેંકડો રહેણાંક ઇમારતો, હોટેલો, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને વેપારી સંકુલ ધરાશાયી થઈ ગયા છે. બચાવ દળો સતત ભારે મશીનોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે, પરંતુ અનેક સ્થળોએ સાધનોની અછત અને વીજ પુરવઠો ખોરવાઈ જવાથી કામગીરી ધીમી પડી છે. બચાવકર્મીઓનું કહેવું છે કે હજુ પણ 100થી વધુ તૂટી પડેલી ઇમારતોમાં લોકો ફસાયેલા હોવાની શક્યતા છે.

સ્થાનિક લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે દિવસ-રાત કાટમાળ ખોદી રહ્યા છે. અનેક જગ્યાએ લોકો ભારે મશીનો પહોંચે તે પહેલાં પોતાના હાથથી જ પથ્થરો અને કાંકરા હટાવીને જીવતા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સમય પસાર થતો જતાં જીવતા બચી જવાની આશા સતત ઓછી થઈ રહી છે.બચાવ ટીમોને હવે મોટા ભાગે કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. ભૂકંપ બાદ હોસ્પિટલોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. કરાકાસ અને લા ગુએરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યા ક્ષમતાથી ઘણી વધારે થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલની બહાર અથવા તાત્કાલિક બનાવેલા કેમ્પોમાં સારવાર આપવામાં આવી રહી છે. દવાઓ, લોહી, સર્જિકલ સાધનો અને તબીબી સ્ટાફની ભારે અછત સર્જાઈ છે.

આ વિનાશકારી આપદાના કારણે હજારો પરિવારો ઘરવિહોણા બન્યા છે. ત્રણ હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજારો લોકો ખુલ્લા મેદાનો, શાળાઓ અને રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. 50 વર્ષીય સુહેલ સાર્ક્વિઝે જણાવ્યું કે તેમનું એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે રહેવા લાયક રહ્યું નથી. નોકરી ગુમાવ્યા બાદ હવે તેઓ પોતાના પુત્ર સાથે બેઘર બની ગયા છે. આવી માનવીય કહાનીઓ સમગ્ર દેશને ભાવુક બનાવી રહી છે.વેનેઝુએલાની સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા માટે આંતરરાષ્ટ્રીય મદદ સ્વીકારવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 1,600 વિદેશી બચાવકર્મીઓ વેનેઝુએલા પહોંચી ચૂક્યા છે. સરકારના જણાવ્યા મુજબ અન્ય 10 દેશોની વિશેષ બચાવ ટીમો પણ ટૂંક સમયમાં અભિયાનમાં જોડાશે. અમેરિકા, આર્જેન્ટિના, અલ સાલ્વાડોર અને અન્ય દેશોએ પણ રાહત સામગ્રી તથા બચાવ નિષ્ણાતો મોકલ્યા છે.

લા ગુએરા અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 14 હજારથી વધુ સૈનિકો અને પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે રાહત સામગ્રીનું યોગ્ય વિતરણ થાય અને લૂંટફાટ જેવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. વિદેશ મંત્રાલયે મુશ્કેલ સમયમાં મદદ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો છે.સંયુક્ત રાષ્ટ્રના પ્રાથમિક અંદાજ મુજબ આ વિનાશકારી ભૂકંપના કારણે વેનેઝુએલાને અંદાજે 6.7 અબજ અમેરિકી ડોલરનું આર્થિક નુકસાન થયું છે. રસ્તાઓ, પુલો, એરપોર્ટ, વીજ પુરવઠા, પાણીની લાઇનો અને સરકારી ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ વીજળી અને સંચાર સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શકી નથી. ભૂકંપ બાદ સતત આવી રહેલા આફ્ટરશોકને કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. ભૂકંપવિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વધુ આફ્ટરશોક આવી શકે છે. જેના કારણે પહેલેથી જ નુકસાન પામેલી ઇમારતો વધુ જોખમી બની ગઈ છે. આ કારણસર અનેક વિસ્તારોમાં લોકોને ઘરમાં પરત ન જવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકી ભૂસ્તર સર્વેક્ષણ (USGS)એ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ નોંધપાત્ર રીતે વધી શકે છે. સંસ્થાના પ્રારંભિક મૂલ્યાંકન મુજબ અંતિમ મૃત્યુઆંક હજારોમાં પહોંચી શકે છે, કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ છે અને અનેક વિસ્તારોમાં બચાવ ટીમો પહોંચી શકી નથી.વિશ્વના અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વેનેઝુએલાને મદદની ખાતરી આપી છે. માનવતાવાદી સંસ્થાઓ ખોરાક, પીવાનું પાણી, દવાઓ, તાત્કાલિક આશ્રય અને તબીબી સહાય પહોંચાડવામાં વ્યસ્ત છે. બીજી તરફ સામાન્ય નાગરિકો પણ સ્વયંસેવક તરીકે બચાવ કામગીરીમાં જોડાયા છે. તેમ છતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર છે.

વેનેઝુએલાના ઇતિહાસમાં આપત્તિને સૌથી ભયાનક કુદરતી દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે. કાટમાળમાંથી સતત મળી રહેલી લાશો, હજારો બેઘર પરિવારો, ઘાયલોથી ઉભરાતી હોસ્પિટલો અને ગુમ થયેલા પોતાના સ્વજનોની રાહ જોતા લોકો—આ તમામ દ્રશ્યો દેશ માટે એક કરુણ યાદ બની રહ્યા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે અને દરેક પસાર થતા કલાક સાથે મૃત્યુઆંક વધવાની આશંકા યથાવત છે.

Most Popular

To Top