રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારની તૈયારી; IAS કેડરની વધેલી મંજૂર સંખ્યા અને ખાલી જગ્યાઓને કારણે GAS અધિકારીઓ માટે પ્રમોશનનો માર્ગ ખુલશે
ગુજરાતના વહીવટી તંત્રમાં આગામી બે વર્ષ દરમિયાન મોટા ફેરફારો જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બે વર્ષમાં લગભગ 50 જેટલા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીઓને ભારતીય પ્રશાસનિક સેવા (IAS) કેડરમાં પ્રમોશન મળવાની શક્યતા છે. આ પ્રક્રિયા રાજ્યમાં IAS કેડરની વધેલી મંજૂર સંખ્યા, નિવૃત્તિઓ અને ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહી હોવાનું વહીવટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય સિવિલ સર્વિસ (SCS)ના 17 અધિકારીઓને વર્ષ 2025ની પસંદગી યાદી હેઠળ IAS કેડરમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર આ તમામ અધિકારીઓને ગુજરાત IAS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે તેમની નિમણૂક ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેટલાક કેસોના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
આ તાજેતરની નિમણૂકો બાદ હવે આગામી વર્ષોમાં વધુ અધિકારીઓને IASમાં પ્રમોશન આપવાની પ્રક્રિયા ઝડપી બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, 2026 અને 2027 દરમિયાન નિવૃત્તિ, નવી મંજૂર થયેલી જગ્યાઓ તથા નિયમિત પ્રમોશન પ્રક્રિયાના આધારે અંદાજે 50 જેટલા GAS અધિકારીઓને IAS કેડરમાં સ્થાન મળી શકે છે. જોકે અંતિમ સંખ્યા UPSC, DoPT અને રાજ્ય સરકારની પસંદગી પ્રક્રિયા બાદ જ નક્કી થશે.ગુજરાતમાં IAS અધિકારીઓની મંજૂર સંખ્યા તાજેતરમાં 313થી વધારીને 328 કરવામાં આવી છે. લગભગ નવ વર્ષ બાદ આ પ્રથમ વખત IAS કેડરમાં વધારો કરવામાં આવ્યો છે.
આ વધારાથી રાજ્યમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સચિવાલય સહિતના મહત્વના હોદ્દાઓ માટે વધુ અધિકારીઓ ઉપલબ્ધ થશે. સાથે જ રાજ્ય સિવિલ સર્વિસના અધિકારીઓને IASમાં પ્રમોશનની વધુ તકો પણ મળશે.ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ રાજ્યની મુખ્ય વહીવટી સેવા છે, તે IAS માટેની ફીડર સર્વિસ તરીકે કાર્ય કરે છે. GAS અધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, વિશેષ જમીન સંપાદન અધિકારી સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપે છે. અનુભવ અને વરિષ્ઠતા આધારે તેઓને બાદમાં IAS કેડરમાં પ્રમોશન આપવામાં આવે છે.
IASમાં પ્રમોશન માટેની પ્રક્રિયા સરળ નથી. મહત્વ નું છે કે રાજ્ય સરકાર, UPSC અને કેન્દ્ર સરકારની સંયુક્ત પ્રક્રિયા હેઠળ અધિકારીઓના સેવા રેકોર્ડ, વરિષ્ઠતા, કામગીરી, વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ (ACR/APAR) તથા ખાલી જગ્યાઓના આધારે પસંદગી કરવામાં આવે છે. અંતે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર સૂચના બહાર પાડ્યા પછી જ અધિકારીઓ IAS કેડરમાં સામેલ થાય છે.વહીવટી સૂત્રોનું કહેવું છે કે રાજ્યમાં અનેક અનુભવી GAS અધિકારીઓ લાંબા સમયથી IAS પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. કેડરની વધેલી સંખ્યા અને આગામી વર્ષોમાં સર્જાનારી ખાલી જગ્યાઓને કારણે હવે તેમની રાહ સરળ બની શકે છે. પરિણામે જિલ્લા અને રાજ્ય સ્તરે વહીવટી કામગીરીમાં પણ વધુ અનુભવી અધિકારીઓની નિમણૂક થવાની શક્યતા છે.
તાજેતરમાં રાજ્ય સરકારે પણ GAS અધિકારીઓને વરિષ્ઠ પે-સ્કેલ અને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન આપ્યા છે. આ પ્રકારના પ્રમોશનને પણ IAS માટેની ભાવિ પસંદગીમાં મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે.વહીવટી નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી બે વર્ષમાં અંદાજે 50 અધિકારીઓને IAS કેડરમાં સ્થાન મળશે તો રાજ્યના વહીવટી તંત્રને મોટો લાભ થશે. જિલ્લામાં અનુભવી અધિકારીઓની ઉપલબ્ધતા વધશે, વિકાસકાર્યોની ગતિ તેજ બનશે અને સચિવાલય તેમજ મેદાની વહીવટ વચ્ચે વધુ સારો સમન્વય જોવા મળશે.
જો કે, અધિકારીઓના પ્રમોશન અંગે હજુ સુધી રાજ્ય સરકાર અથવા DoPT દ્વારા 50 અધિકારીઓની કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. હાલ આ સંખ્યા વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અને ઉપલબ્ધ ખાલી જગ્યાઓના અંદાજ પર આધારિત છે. અંતિમ નિર્ણય UPSCની પસંદગી સમિતિ અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે.
આગામી મહિનાઓમાં પસંદગી સમિતિની બેઠકો, જો કે નવી પસંદગી યાદીઓ અને DoPTની સૂચનાઓ પર તમામ GAS અધિકારીઓની નજર રહેશે. જો અનુમાન મુજબ પ્રક્રિયા આગળ વધે તો આગામી બે વર્ષ ગુજરાતના વહીવટી ઇતિહાસમાં સૌથી મોટા IAS પ્રમોશન ચક્રોમાંનું એક બની શકે છે.