World

મુંબઈ-હૈદરાબાદમાં અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે 9.5 મહિનાનું વેઈટિંગ

અમેરિકા ફરવા, પરિવારને મળવા કે બિઝનેસ પ્રવાસે જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે સૌથી મોટો પડકાર હવે ફ્લાઇટ કે હોટલનું બુકિંગ નહીં, પરંતુ અમેરિકાના વિઝા માટે ઈન્ટરવ્યૂની તારીખ મેળવવાનો બની ગયો છે. અમેરિકાના વિદેશ વિભાગ (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ગ્લોબલ વિઝા વેઈટ ટાઈમ્સના આંકડા મુજબ, ભારતના મોટાભાગના અમેરિકન કોન્સ્યુલેટમાં બિઝનેસ અને ટૂરિસ્ટ (B1/B2) વિઝા માટે ઈન્ટરવ્યૂ મેળવવામાં લાંબો સમય લાગી રહ્યો છે. સૌથી વધુ વેઈટિંગ મુંબઈ અને હૈદરાબાદમાં નોંધાયું છે. આ બંને શહેરોના અમેરિકન કોન્સ્યુલેટમાં B1/B2 વિઝા માટે ઈન્ટરવ્યૂની સરેરાશ રાહ લગભગ 9.5 મહિના સુધી પહોંચી ગઈ છે. એટલે કે આજે અરજી કરનાર વ્યક્તિને ઈન્ટરવ્યૂ માટે લગભગ દસ મહિના સુધી રાહ જોવી પડી શકે છે.

મુંબઈ અને હૈદરાબાદના વિઝા સેન્ટર વિશ્વના સૌથી વધુ વેઈટિંગ ધરાવતા સેન્ટરોમાં પણ સામેલ થયા છે. જોકે, હજુ પણ કેનેડાના કેટલાક શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર છે. ટોરોન્ટોમાં વિઝા ઈન્ટરવ્યૂ માટે લગભગ 21 મહિનાનું વેઈટિંગ છે. ઓટાવામાં 14 મહિના, વેન્કુવરમાં 12 મહિના અને કોલંબિયાના બોગોટામાં આશરે 11 મહિનાની રાહ જોવી પડે છે. ભારતના અન્ય શહેરોની વાત કરીએ તો નવી દિલ્હીમાં અમેરિકન વિઝા માટે સરેરાશ 7.5 મહિનાનું વેઈટિંગ છે. ચેન્નાઈમાં લગભગ 5.5 મહિના રાહ જોવી પડે છે, જ્યારે કોલકાતા સૌથી ઝડપી સેવા આપતું કેન્દ્ર બન્યું છે. અહીં હાલમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ છે, જે અગાઉના 4.5 મહિનાની સરખામણીએ થોડું ઓછું થયું છે. એટલે હાલ ભારતના પાંચ મુખ્ય અમેરિકન વિઝા કેન્દ્રોમાં કોલકાતા સૌથી ઓછી રાહ ધરાવતું કેન્દ્ર છે.

વિઝા નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ લાંબા વેઈટિંગ પાછળ અનેક કારણો જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થયો છે. પ્રવાસ, બિઝનેસ, પરિવારની મુલાકાત અને અન્ય કારણોસર મોટી સંખ્યામાં લોકો B1/B2 વિઝા માટે અરજી કરી રહ્યા છે. બીજી તરફ, ઉપલબ્ધ ઈન્ટરવ્યૂ સ્લોટ્સ મર્યાદિત હોવાથી માંગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર સર્જાયું છે. કોન્સ્યુલેટમાં સ્ટાફની મર્યાદિત સંખ્યા અને વધતા અરજદારોના કારણે પણ એપોઇન્ટમેન્ટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. ઘણા અરજદારો લાંબા સમય સુધી ઈન્ટરવ્યૂની તારીખની રાહ જોવી પડે છે, જેના કારણે તેમની પ્રવાસ યોજનાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.

વિઝા નિષ્ણાતો અરજદારોને સલાહ આપે છે કે વિઝા માટેની યોજના શક્ય હોય તેટલી વહેલી શરૂ કરવી જોઈએ. જો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન અમેરિકા જવાનું આયોજન હોય તો ઘણા મહિના અગાઉ અરજી કરવી વધુ યોગ્ય રહેશે. ઉપરાંત, અમેરિકન વિઝા એપોઇન્ટમેન્ટ સિસ્ટમમાં સમયાંતરે નવા ઈન્ટરવ્યૂ સ્લોટ્સ ખુલતા રહે છે. તેથી અરજદારોએ પોતાના ઓનલાઈન એકાઉન્ટમાં નિયમિત રીતે લોગિન કરીને ઉપલબ્ધ તારીખો તપાસતા રહેવું જોઈએ. ઘણી વખત અગાઉ કરતાં વહેલી તારીખ પણ મળી શકે છે. તાજેતરના વર્ષોમાં અમેરિકા માટે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. પ્રવાસન ઉપરાંત બિઝનેસ મીટિંગ્સ, પરિવારજનોને મળવા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકાની મુલાકાત લે છે. જેના કારણે B1/B2 વિઝાની માંગ સતત વધી રહી છે.

લાંબા વેઈટિંગ છતાં અમેરિકન કોન્સ્યુલેટ્સ નવા અરજદારોને શક્ય તેટલી ઝડપથી સેવા આપવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હાલની સ્થિતિમાં અરજદારોએ લાંબી રાહ માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને મુંબઈ અને હૈદરાબાદમાંથી અરજી કરનારાઓ માટે લગભગ દસ મહિનાની રાહ સૌથી મોટો પડકાર બની રહી છે. જો તમારી અમેરિકા જવાની યોજના આગામી વર્ષ માટે છે, તો વિઝા પ્રક્રિયા છેલ્લી ઘડીએ શરૂ કરવાને બદલે સમયસર અરજી કરવી વધુ સમજદારીભર્યો નિર્ણય બની શકે છે. યોગ્ય આયોજન અને સમયસર અરજી દ્વારા લાંબી રાહને કારણે થતી મુશ્કેલીઓથી બચી શકાય છે.

Most Popular

To Top