લામડાપુરા–કુનપાડ રોડ પર કેમિકલ કચરામાં આગથી દોડધામ; GPCB અને જવાબદાર તંત્રની ભૂમિકા સામે સવાલ
ટુંડાવ–સમલાયા રોડ, મંજુસર–આસોજ રોડ તેમજ દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે નજીકના વિસ્તારોમાં પણ ઔદ્યોગિક કચરો ઠાલવી સળગાવવાની પ્રવૃત્તિ
(પ્રતિનિધિ) સાવલી, તા. 28:
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા–કુનપાડ રોડ પર ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવેલા કેમિકલ અને અન્ય ઔદ્યોગિક ઘન કચરામાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે આસપાસની ફેક્ટરીઓના સંચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મંજુસર GIDC ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, તાલુકાની કેટલીક ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો કેમિકલ અને સોલિડ વેસ્ટ ગેરકાયદેસર રીતે રાત્રિના સમયે ખુલ્લી જગ્યાઓમાં ઠાલવી દેવામાં આવે છે અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે તેમાં આગ લગાવવામાં આવે છે.
ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
આગ લાગતાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
વારંવાર ઉઠતા આક્ષેપોથી તંત્ર સામે સવાલ
સ્થાનિકોના જણાવ્યા મુજબ લામડાપુરા–કુનપાડ રોડ ઉપરાંત આસોજ, લસુન્દ્રા રોડ, ટુંડાવ–સમલાયા રોડ, મંજુસર–આસોજ રોડ તેમજ દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે નજીકના વિસ્તારોમાં પણ ઔદ્યોગિક કચરો ઠાલવી સળગાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઘટનાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઔદ્યોગિક કચરાના નિકાલ પર થતી દેખરેખ અને અમલવારી અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
કડક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિક ખેડૂતો, રહીશો અને ઉદ્યોગકારોએ ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક કચરો ઠાલવનારા અને તેને સળગાવનાર તત્વોની ઓળખ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે પણ તપાસ કરી દોષિતો સામે દાખલારૂપ પગલાં ભરવાની માંગ ઉઠી છે.
રિપોર્ટર: વિમલ પટેલ