ગ્રામયંત્ર વિદ્યા, વસ્ત્ર વિદ્યા, વન વિદ્યા અને વન ઔષધિ વિષયો હવે ઈતિહાસ બનશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27થી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના વિષય માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 11-12ના અભ્યાસક્રમમાંથી ચાર પરંપરાગત વિષયોને કાયમી ધોરણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રદ કરવામાં આવેલા વિષયોમાં ગ્રામયંત્રવિદ્યા, વસ્ત્રવિદ્યા, વનવિદ્યા અને વન ઔષધિનો સમાવેશ થાય છે. આ ફેરફાર ક્રમશઃ લાગુ પડશે. ચાલુ વર્ષે ધોરણ 11માંથી આ વિષયો રદ થશે અને ત્યારપછીના શૈક્ષણિક વર્ષ એટલે કે 2027-28થી ધોરણ 12માંથી પણ આ વિષયો હટાવી દેવાશે. શિક્ષણ બોર્ડે અગાઉ શૈક્ષણિક વર્ષ 2020-21થી ધો. 9 અને 2021-22થી ધો. 10 ઉ.બુ. પ્રવાહના અભ્યાસક્રમમાંથી પણ આ ચાર વિષયો રદ કર્યા હતા. માધ્યમિક સ્તરે આ વિષયો હટાવ્યા બાદ, ઉચ્ચતર માધ્યમિક સ્તરે પણ શિક્ષણનું સાતત્ય જળવાઈ રહે તે હેતુથી બોર્ડની શૈક્ષણિક સમિતિએ ધો. 11 અને 12ના વિષય માળખામાંથી પણ આ વિષયો હટાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિએ તાજેતરમાં મળેલી બેઠકમાં આ અંગેનો આખરી નિર્ણય લીધો હતો. આ નિર્ણયના કારણે ઉત્તર બુનિયાદી શાળાઓના શૈક્ષણિક માળખામાં વ્યાપક બદલાવ આવશે.