દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને વધતા વાયુ પ્રદૂષણને ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે નવી EV પોલિસી 2026ને કેબિનેટની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ પોલિસી અંતિમ મંજૂરી માટે ઉપરાજ્યપાલ (LG)ને મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ તેને 1 જુલાઈ 2026થી અમલમાં મૂકવાની તૈયારી છે. આ નવી પોલિસી 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેશે. દિલ્હી સરકારનું માનવું છે કે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી શહેરમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજધાનીમાં છેલ્લા કેટલાક વર્ષોથી હવાની ગુણવત્તા સતત ચિંતાનો વિષય બની રહી છે. આવા સમયમાં સરકાર ઈચ્છે છે કે લોકો પેટ્રોલ અને ડીઝલ વાહનોને બદલે વધુમાં વધુ ઈલેક્ટ્રિક વાહનો અપનાવે.
નવી EV પોલિસી હેઠળ વાહન ખરીદનારા લોકોને સૌથી મોટો લાભ રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં મળશે. સરકારે જાહેરાત કરી છે કે તમામ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. આ નિર્ણયથી નવા EV ખરીદનારા લોકોને મોટી આર્થિક રાહત મળશે અને ઈલેક્ટ્રિક વાહનો વધુ સસ્તા બનશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચાર પૈડાવાળા ઈલેક્ટ્રિક વાહનો માટે આ લાભ 30 લાખ રૂપિયા સુધીની એક્સ-શોરૂમ કિંમત ધરાવતી કાર પર મળશે. ઉપરાંત, માત્ર ઈલેક્ટ્રિક કાર જ નહીં, પરંતુ બે પૈડાં, ત્રણ પૈડાં, ચાર પૈડાં તેમજ ઈલેક્ટ્રિક ટ્રકોને પણ આ પોલિસીના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે વિવિધ પ્રકારના EV ખરીદનારા લોકોને આ યોજનાનો લાભ મળશે. નવી પોલિસીની એક મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કોઈ મર્યાદા રાખી નથી. એટલે કે એક વ્યક્તિ ઈચ્છે તો એકથી વધુ ઈલેક્ટ્રિક વાહનો ખરીદી શકશે અને પોલિસી હેઠળ મળતા લાભો મેળવી શકશે. આ નિર્ણય ખાસ કરીને વેપારીઓ, ફ્લીટ ઓપરેટરો અને પરિવારમાં એકથી વધુ વાહનો ખરીદવાની યોજના ધરાવતા લોકો માટે લાભદાયી બની શકે છે.
દિલ્હી સરકારે આગામી ચાર વર્ષ દરમિયાન 7,000 કરોડ રૂપિયાથી વધુનું સીધું રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે. સરકારનું કહેવું છે કે આ રોકાણથી ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે, રોજગારીમાં વધારો થશે અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત સરકારે અંદાજ વ્યક્ત કર્યો છે કે ટેક્સમાં છૂટ, ચાર્જિંગ સ્ટેશનની સુવિધાઓ અને અન્ય પ્રોત્સાહનોને મળીને કુલ 15,000 કરોડ રૂપિયાથી વધુના લાભ લોકો અને ઉદ્યોગોને મળી શકે છે. સરકારનું લક્ષ્ય માત્ર વાહનોની સંખ્યા વધારવાનું નથી, પરંતુ સમગ્ર EV ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાનું પણ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે નવી EV પોલિસી દિલ્હીના પરિવહન ક્ષેત્રમાં એક મોટો બદલાવ લાવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય માત્ર પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ નહીં બને, પરંતુ સ્વચ્છ ઊર્જા આધારિત પરિવહનને પણ નવી દિશા આપશે. તેમના જણાવ્યા મુજબ, ઉપરાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ 1 જુલાઈથી લોકો સબસિડી, ટેક્સમાં છૂટ અને અન્ય તમામ લાભોનો લાભ લઈ શકશે.
દિલ્હીમાં પહેલેથી જ ઈલેક્ટ્રિક બસો, ઈ-રિક્ષા અને અન્ય EVનો ઉપયોગ વધી રહ્યો છે. નવી પોલિસી અમલમાં આવ્યા બાદ વ્યક્તિગત વાહન ખરીદનારા લોકોમાં પણ ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ આકર્ષણ વધવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઝડપથી વિસ્તરશે તો દિલ્હી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં અગ્રેસર શહેર બની શકે છે. સરકારને આશા છે કે આ નવી પોલિસીથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે, પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે અને પર્યાવરણને પણ લાંબા ગાળે ફાયદો થશે. સાથે જ ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં નવા રોકાણ અને રોજગારીની તકો પણ ઉભી થશે.