Gujarat

માત્ર 4 કલાકમાં સુરતમાં 2 ઇંચ વરસાદ, વડોદરા-સૌરાષ્ટ્રમાં ઠંડક; અનેક વિસ્તારો જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસાએ આખરે જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં જ રાજ્યના 28 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 2.01 ઇંચ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે વડોદરા, જૂનાગઢ સહિતના શહેરોમાં પણ વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. રાજ્યના વરસાદના આંકડા મુજબ સુરત બાદ કામરેજમાં 1.4 ઇંચ, ઓલપાડમાં 1.3 ઇંચ, માંગરોળમાં 1.1 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ચોમાસાના પ્રથમ જ સારા વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે, પરંતુ અનેક શહેરોમાં વરસાદે તંત્રની તૈયારીઓની પણ પોલ ખોલી નાખી છે.

સુરતમાં ભારે વરસાદને કારણે ઉધના અને લિંબાયતને જોડતું મહત્વપૂર્ણ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. ઓફિસ જતાં કર્મચારીઓ અને અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પલસાણા અને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ સોસાયટી સહિતના અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રથમ જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પહેલાં નાળાં અને ડ્રેનેજની સફાઈના દાવા કરવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવું ચિંતાજનક બાબત છે.

બીજી તરફ વડોદરામાં પણ મેઘરાજાની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી. શહેરના રાવપુરા, દાંડિયા બજાર, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત કાળા વાદળોથી ઘેરાઈ ગયો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પ્રથમ જ વરસાદે વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ગડખોલ પાટિયા નજીક નાળાની કામગીરી અધૂરી હોવાના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત ઉકાઈ જમણાકાંઠા નહેરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતાં આખો રસ્તો જળબંબાકાર બની ગયો હતો. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે વરસાદ પહેલાં નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત. હવે લોકો તંત્ર પાસેથી તાત્કાલિક કામગીરીની માંગ કરી રહ્યા છે જેથી આગામી વરસાદમાં વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top