આખરે સુરતીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજાની આખરે પધરામણી ઘમાકેદાર થઈ ગઈ છે. આ સાથે સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી મુશ્કેલીઓ સામે આવવા લાગી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ એક મોટો માર્ગ અચાનક ધસી પડતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આશરે 400 મીટર લાંબા રસ્તાનો મોટો ભાગ બેસી ગયો હતો અને રસ્તા પર એક પછી એક 5થી 6 મોટા ભૂવા પડી ગયા હતા. આ ભૂવા એટલા મોટા હતા કે તેમાં આખેઆખી કાર સમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી સમગ્ર રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જેસીબી સહિતની ભારે મશીનરી ઘટનાસ્થળે પહોંચાડી રસ્તાનું સમારકામ અને ભૂવા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં જ આ જ રસ્તા પર ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ સામાન્ય વરસાદ પડતા જ આખો રસ્તો બેસી જતાં પાલિકાની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો કામ યોગ્ય રીતે થયું હોત તો આ પ્રકારની સ્થિતિ સર્જાત નહીં. હવે લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રસ્તો ધસી પડતાં આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પર પણ ભારે અસર જોવા મળી હતી. અનેક વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો. પાલિકા દ્વારા લોકોને આ રસ્તાનો ઉપયોગ ન કરવા અને સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ, ભારે વરસાદના કારણે વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટીમાં પણ એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું. સદનસીબે તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. વરસાદ શરૂ થતાં જ સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓને નુકસાન થવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મોટા વરાછાની આ ઘટના બાદ શહેરમાં થયેલા વિકાસકામોની ગુણવત્તા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે કરોડો રૂપિયાના વિકાસકામો છતાં સામાન્ય વરસાદમાં જ રસ્તા ધસી પડતા હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ. હાલ પાલિકા દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરીને આવી જ સ્થિતિ અન્ય ક્યાંય ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
