National

‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સોમવારે હૈદરાબાદમાં વિદ્યાર્થીઓને સંબોધતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભારતના સાચા Gen Z એવા યુવાનો છે, જે પોતાનું ભવિષ્ય બનાવવાની સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે. જ્યારે દેશની એકતા, સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા અથવા દેશને વહેંચવાની વાત કરનારા લોકો ભારતના અસલી Gen Z હોઈ શકે નહીં. નીતિન નવીન હાલમાં તેલંગાણાના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે હૈદરાબાદની એક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આજકાલ દુનિયાભરમાં Gen Z અંગે ઘણી ચર્ચા થાય છે, પરંતુ ભારતના યુવાનોની વિચારસરણી અન્ય દેશોના યુવાનો કરતાં અલગ છે.

તેમણે કોઈ વ્યક્તિ કે સંગઠનનું નામ લીધા વગર ‘ટુકડે-ટુકડે ગેંગ’નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશને વહેંચવાના નારા લગાવનારા, સંવિધાન, સંસ્કૃતિ અને ભારતની એકતા પર સવાલ ઉઠાવનારા લોકો ભારતના Gen Z નથી. તેમના શબ્દોમાં, “ટુકડે-ટુકડે ગેંગ જેવી વિચારસરણી ધરાવતા લોકો Gen Z બની શકે નહીં.” નીતિન નવીને વિદ્યાર્થીઓને અપીલ કરતાં કહ્યું કે આવા વિચારો ધરાવતા લોકોને ઓળખવા જોઈએ અને જો કોઈ યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે તો તેનો જવાબ લોકશાહી અને સંવિધાનિક માર્ગે આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વના ઘણા દેશોમાં યુવાનોના આંદોલનોને Gen Z આંદોલન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારતના યુવાનોનો અભિગમ અલગ છે. ભારતીય યુવાનો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરતા નથી, પરંતુ દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની જવાબદારી નિભાવવામાં વિશ્વાસ રાખે છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે આજના ભારતીય યુવાનો સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, નવી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે, રમતગમતમાં દેશનું નામ વિશ્વભરમાં ઉજ્જવળ કરી રહ્યા છે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના મત મુજબ આવા યુવાનો જ ભારતના સાચા Gen Z છે. તેમણે કહ્યું કે ભારતના યુવાનો નવીનતા, જ્ઞાન અને ટેક્નોલોજીના બળ પર દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહ્યા છે. આજનો યુવા માત્ર પોતાની કારકિર્દી બનાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ દેશના વિકાસમાં પણ ભાગીદાર બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ આપતાં નીતિન નવીને જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ત્યાંના યુવાનોની ઓળખ પથ્થરમારાની ઘટનાઓ સાથે જોડાતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે. તેમણે કહ્યું કે હવે કાશ્મીરના યુવાનો રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે અને રણજી ટ્રોફી જેવી સ્પર્ધાઓમાં પણ સફળતા મેળવી રહ્યા છે.

તેમણે લોકશાહીની વાત કરતાં કહ્યું કે સરકારની ટીકા કરવી કે વિરોધ કરવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. પરંતુ આ વિરોધ હંમેશા લોકશાહી અને સંવિધાનની મર્યાદામાં રહીને થવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ વિદેશી તાકાતો અથવા ભડકાઉ વિચારધારાના પ્રભાવમાં આવીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું જોઈએ. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતનો યુવા પોતાની પ્રતિભા, મહેનત અને સકારાત્મક વિચારસરણીના આધારે દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં સક્રિય ભાગ લેવા, નવીનતા તરફ આગળ વધવા અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાનો સંદેશ આપ્યો.

Most Popular

To Top