SURAT

પાંડેસરામાં કચરો ફેંકનારને દંડ, અડાજણમાં પાલિકાની જ શાળા-હેલ્થ સેન્ટર બહાર ગંદકીના ઢગલા

સુરતને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા વચ્ચે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એક તરફ પાલિકા જાહેરમાં કચરો ફેંકનારા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ વસૂલી રહી છે, તો બીજી તરફ પાલિકાની પોતાની જ શાળા અને હેલ્થ સેન્ટરની બહાર કચરાના ઢગલા, ગંદકી અને લારી-ટેમ્પોના દબાણ હોવા છતાં પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો સામે આવી છે. પાંડેસરામાં બમરોલી ખાડી પાસે કચરો ફેંકનારા લોકો સામે પાલિકાની ટીમે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરી હતી. જ્યારે અડાજણ પાટિયા વિસ્તારમાં વિવેકાનંદ બ્રિજના છેડે આવેલી પાલિકાની શાળા અને હેલ્થ સેન્ટરની આસપાસની સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કરી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાના અભિયાન હેઠળ પાલિકાની ટીમે બમરોલી ખાડી પાસે જાહેરમાં કચરો ફેંકનારા લોકો સામે અચાનક કાર્યવાહી કરી હતી. પાલિકાની ટીમ રસીદ બુક સાથે સ્થળ પર પહોંચી હતી અને કચરો ફેંકવા આવેલા લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા. 50થી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. કચરો નાખવા આવેલી એક મહિલાને પણ પાલિકાની ટીમે રોકી હતી. મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી, છતાં નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે જાહેર સ્થળે કચરો ફેંકનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે અને જાહેર સ્થળે કચરો ન ફેંકવો જોઈએ. જોકે, આ કડક કાર્યવાહી વચ્ચે હવે અડાજણની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે.

અડાજણ પાટિયા વિસ્તારમાં વિવેકાનંદ બ્રિજના છેડે પાલિકાની શાળા અને હેલ્થ સેન્ટર આવેલાં છે. આ બંને સ્થળોએ દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. શાળામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં બાળકો અભ્યાસ કરે છે, જ્યારે હેલ્થ સેન્ટરમાં આસપાસના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. આવા મહત્વના સ્થળોની આસપાસ જ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા હોવાની ફરિયાદ છે.

શાળાની આસપાસ કચરો પડેલો રહેવા ઉપરાંત લારી-ટેમ્પો અને અન્ય વાહનોના અડીંગાના કારણે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ગંદકી વચ્ચેથી પસાર થવું પડે છે. વાલીઓ અને શિક્ષકો માટે પણ આ સ્થિતિ ચિંતાનો વિષય બની છે. બીજી તરફ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ ગંદકી વચ્ચે જ પસાર થવું પડે છે. જે સ્થળે લોકો આરોગ્યની સારવાર માટે આવે છે ત્યાં જ સ્વચ્છતાની સ્થિતિ ખરાબ હોય તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભો કરે છે.

વિડંબના એ છે કે સુરત શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં કેટલાક લોકો ઘર અને દુકાનનો કચરો જાહેર સ્થળે ઠાલવી રહ્યા છે. પાલિકાની સફાઈ ટીમ દ્વારા એક વખત સફાઈ કરવામાં આવ્યા બાદ થોડા જ કલાકોમાં ફરી કચરાના ઢગલા જોવા મળતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. આ સ્થિતિ માત્ર શહેરની સ્વચ્છતાને અસર કરતી નથી, પરંતુ સફાઈ માટે પાલિકા દ્વારા કરવામાં આવતા ખર્ચ અને માનવબળના ઉપયોગ પર પણ સવાલ ઊભા કરે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર સફાઈ કરી દેવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં. જ્યાં વારંવાર કચરો ફેંકવામાં આવે છે તેવા સ્થળોની ઓળખ કરીને તેને ન્યૂસન્સ પોઈન્ટ તરીકે વિકસાવવાની જરૂર છે. આવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જરૂર પડે ત્યાં સુરક્ષા કર્મચારીઓ અથવા પાલિકાની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવે અને જાહેરમાં કચરો ફેંકનારને પકડવામાં આવે તો જ સમસ્યાનો ઉકેલ આવી શકે.

પાંડેસરામાં જે રીતે પાલિકાની ટીમે અચાનક પહોંચી લોકોને રંગેહાથ ઝડપી દંડ કર્યો, તેવી જ કાર્યવાહી અડાજણ સહિત શહેરના અન્ય ગંદકીવાળા વિસ્તારોમાં પણ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. જો કચરો ફેંકનારા સામે નિયમિત અને કડક કાર્યવાહી થશે તો લોકોમાં પણ નિયમોનો ભય રહેશે અને જાહેર સ્થળોએ ગંદકી કરવાની પ્રવૃત્તિમાં ઘટાડો થઈ શકે.

સ્થાનિકોનો સવાલ એ પણ છે કે સામાન્ય નાગરિક જાહેરમાં કચરો ફેંકે ત્યારે તેની સામે તાત્કાલિક દંડની કાર્યવાહી થઈ શકે છે, તો પાલિકાની પોતાની શાળા અને આરોગ્ય કેન્દ્રની બહાર વારંવાર ગંદકી થતી હોય ત્યારે તેની જવાબદારી કોની? જો આ વિસ્તારોમાં વારંવાર કચરો ફેંકવામાં આવે છે તો પાલિકાએ ત્યાં દેખરેખ કેમ વધારી નથી? લારી-ટેમ્પો અને અન્ય વાહનોના દબાણ સામે પણ કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી?

શાળા અને હેલ્થ સેન્ટર જેવા સ્થળો સામાન્ય જાહેર જગ્યા કરતાં પણ વધુ સંવેદનશીલ છે. અહીં બાળકો, દર્દીઓ, વૃદ્ધો અને તેમના પરિવારજનોની અવરજવર રહે છે. આવી જગ્યાએ ગંદકી રહે તો માત્ર શહેરની છબી ખરાબ થતી નથી, પરંતુ સ્વચ્છતા અને જાહેર આરોગ્યનો મુદ્દો પણ ગંભીર બને છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કચરાના ઢગલાથી દુર્ગંધ, મચ્છરો અને અન્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વધી જાય છે. સુરત પાલિકા સ્વચ્છતા માટે વિવિધ અભિયાન ચલાવે છે અને જાહેરમાં કચરો ફેંકનારા સામે દંડની કાર્યવાહી પણ કરે છે. પરંતુ આવી કામગીરી તમામ વિસ્તારોમાં સમાન રીતે થાય તે જરૂરી છે. એક વિસ્તારમાં કડક કાર્યવાહી અને બીજા વિસ્તારમાં બેદરકારીની છાપ ઊભી થાય તો તંત્રની કામગીરી સામે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે.

હવે અડાજણ પાટિયા વિસ્તારની સ્થિતિમાં પાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું રહેશે. પાલિકાની શાળા અને હેલ્થ સેન્ટરની આસપાસથી કચરો દૂર કરવાની સાથે વારંવાર ગંદકી કરતા લોકો સામે પણ કડક પગલાં લેવાય, લારી-ટેમ્પોના દબાણને દૂર કરવામાં આવે અને આ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. પાંડેસરાની જેમ અડાજણમાં પણ રંગેહાથ કાર્યવાહી અને દંડ કરવામાં આવે તો જ ‘સ્વચ્છ સુરત’ના અભિયાનને વાસ્તવિક અર્થમાં સફળ બનાવી શકાય.

Most Popular

To Top