સુરત શહેરમાં એક દુઃખદ અકસ્માત બાદ કોળી પટેલ સમાજની મહિલાના અંગદાનથી પાંચ લોકોને નવું જીવન મળવાની આશા જાગી છે. ઓલપાડમાં રહેતા મંજુલાબેન પટેલનું અકસ્માતમાં ગંભીર ઈજા બાદ સારવાર દરમિયાન બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. મંજુલાબેન ધારાસભ્ય મુકેશ પટેલના મામી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે મંજુલાબેન પટેલ તેમના પતિ સાથે બાઈક પર ભેસાણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અસરને કારણે મંજુલાબેન અને તેમના પતિ બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં મંજુલાબેનને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં મંજુલાબેનની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. તબીબી તપાસ બાદ ડોક્ટરોએ મંજુલાબેનને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. આ સ્થિતિમાં પરિવાર માટે આ અત્યંત દુઃખદ ક્ષણ હતી. તેમ છતાં પરિવારજનોએ મંજુલાબેનના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવાનો નિર્ણય લીધો હતો. ધારાસભ્ય મુકેશ પટેલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મંજુલાબેનના અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમના હાર્ટ, આંખો, લીવર, કિડની સહિત કુલ પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગો જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેના કારણે પાંચ લોકોને નવજીવન મળવાની આશા છે.
અકાળે થયેલા અકસ્માતમાં મંજુલાબેનનું જીવન બચાવી શકાયું ન હોવા છતાં તેમના અંગદાનના નિર્ણયથી અન્ય પાંચ લોકોના જીવનમાં નવી આશા ઊભી થઈ છે. પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં અંગદાનનો નિર્ણય લઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંજુલાબેનના અંગો જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.