હવા અને અજવાળા વિના માસૂમ બાળકોની દુર્દશા: તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીના બાળકો માટે પાયાની સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તંત્રની ભારે ઉદાસીનતા અને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં વીજળી કનેક્શન કાપી નાખવામાં આવતા માસૂમ બાળકો આકરા ઉકળાટ અને અંધારા વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ગરીબ નવાજ પાર્ક અને રોશન નગર ખાતે ચાલતી ૨ આંગણવાડીઓ માટે પાલિકા તંત્ર કાયમી મકાનની વ્યવસ્થા કરવામાં સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે. જેથી આ બંને આંગણવાડીઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ‘રેન બસેરા’ ખાતે કામચલાઉ ધોરણે ખસેડવામાં આવી છે.
પરંતુ તંત્રની લાપરવાહીનો અંત અહીં જ નથી આવતો. રેન બસેરામાં આંગણવાડીઓ શરૂ કર્યા બાદ વીજ બિલની ચૂકવણી કે ટેકનિકલ પ્રક્રિયાઓના વાંકે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેના કારણે આંગણવાડીમાં આવતા આશરે ૬૦ જેટલાં નાના માસૂમ બાળકો વીજળી વિના, ભીષણ ગરમી અને અંધારા ઓરડામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.
નાના બાળકો અને આંગણવાડી વર્કરો આ અસહ્ય સ્થિતિનો સામનો કરી રહ્યા હોવા છતાં પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. વાલીઓ અને સ્થાનિક રહીશોમાં આંગણવાડીની આવી દુર્દશા અને તંત્રની લાલિયાવાડી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આંગણવાડીઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે અને કાયમી મકાનની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.