વિશ્વના સૌથી ભયાનક સૈન્ય અકસ્માતોની વાત આવે ત્યારે હિરોશિમા અને નાગાસાકીનું નામ સૌપ્રથમ યાદ આવે છે. પરંતુ અમેરિકાના ઇતિહાસમાં એક એવી ઘટના પણ બની હતી, જ્યારે કોઈ યુદ્ધ વિના, કોઈ હુમલાની યોજના વિના અને માત્ર એક ટેકનિકલ ભૂલને કારણે એક વિશાળ હાઇડ્રોજન બોમ્બ જમીન પર પડી ગયો હતો. જો આ બોમ્બમાં રહેલી પરમાણુ પ્રણાલી સક્રિય સ્થિતિમાં હોત, તો પરિણામ અણધાર્યું અને વિનાશકારી બની શક્યું હોત. આ ઘટના અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના અલ્બુકર્ક શહેર નજીક 22 મે, 1957ના રોજ બની હતી.
22 મે 1957ની એ ભયાનક બપોર
તારીખ હતી 22 મે 1957 અને સમય હતો બપોરના લગભગ 11:50 વાગ્યા. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં આવેલું અલ્બુકર્ક શહેર સામાન્ય દિવસની જેમ પોતાની ગતિએ આગળ વધી રહ્યું હતું. પરંતુ એ જ સમયે આકાશમાં અમેરિકન વાયુસેનાનું એક વિશાળ B-36 Peacemaker બોમ્બર વિમાન ઉડી રહ્યું હતું. વિમાન ટેક્સાસના બાર્ક્સડેલ એરફોર્સ બેઝથી ઉડાન ભરીને ન્યૂ મેક્સિકોના કિર્ટલેન્ડ એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યું હતું. વિમાનમાં એક એવું હથિયાર હતું જે તે સમયના અમેરિકન શસ્ત્રાગારમાં સૌથી વિશાળ અને ભયાનક બોમ્બમાંનું એક હતું, Mark 17 થર્મોન્યુક્લિયર હાઇડ્રોજન બોમ્બ.આ બોમ્બનું વજન આશરે 42,000 પાઉન્ડ એટલે કે લગભગ 19,000 કિલોગ્રામ હતું અને તેની લંબાઈ લગભગ 24 ફૂટ હતી. અહેવાલ મુજબ તેની વિસ્ફોટક ક્ષમતા અંદાજે 10થી 15 મેગાટન સુધીની હતી અને તે હિરોશિમા પર ફેંકવામાં આવેલા ‘લિટલ બોય’ પરમાણુ બોમ્બ કરતાં અનેકગણો વધુ શક્તિશાળી હતો.
વિમાન બેઝથી માત્ર થોડા માઇલ દૂર હતું અને… જ્યારે B-36 વિમાન કિર્ટલેન્ડ એરફોર્સ બેઝથી આશરે 4.5 માઇલ દૂર અને લગભગ 1,700 ફૂટની ઊંચાઈએ હતું ત્યારે એક ક્રૂ મેમ્બર ઇમરજન્સી લોકિંગ પિનની તપાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અજાણતા જ બોમ્બ છોડવાની મિકેનિઝમ ટ્રિગર થઈ ગઈ.આ અકસ્માત એટલો અચાનક હતો કે ક્રૂને સંભાળવાનો સમય જ મળ્યો નહીં. લગભગ 19 ટન વજન ધરાવતો Mark 17 બોમ્બ વિમાનના બોમ્બ બેના ભારે સુરક્ષા દરવાજામાંથી નીચે પટકાયો અને જમીન તરફ ઝડપથી ધસી ગયો.સદનસીબે, બોમ્બ જે વિસ્તારમાં પડ્યો તે સમયે નીચે રહેણાંક વિસ્તારને બદલે રણપ્રદેશ હતો. આ બાબતે જાનહાનિ ટાળવામાં મોટી ભૂમિકા ભજવી.
જમીન સાથે અથડાતા જ થયો ભયાનક વિસ્ફોટ
જ્યારે બોમ્બ જમીન સાથે અથડાયો ત્યારે તેનો વિશાળ બાહ્ય ભાગ તૂટી ગયો. જોકે બોમ્બમાં રહેલા હાઇ-એક્સપ્લોસિવ ઘટકોમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જમીનમાં આશરે 25 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો ખાડો પડી ગયો.વિસ્ફોટ બાદ ધુમાડો, આગ અને કાટમાળનો જોરદાર ગૂંચવાડો આસપાસના વિસ્તારમાં ફેલાયો. અહેવાલ મુજબ તેની અસર આશરે એક માઇલ દૂર સુધી જોવા મળી અને અલ્બુકર્ક શહેરમાં અનેક જગ્યાએ બારીઓ પણ ધ્રૂજી ઊઠી હતી.પરંતુ આ ભયાનક અકસ્માતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે હાઇડ્રોજન બોમ્બનો થર્મોન્યુક્લિયર વિસ્ફોટ થયો નહોતો.
આખું શહેર કેમ બચી ગયું?
આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જો આટલો શક્તિશાળી હાઇડ્રોજન બોમ્બ જમીન પર પડ્યો હતો તો આખું શહેર નાશ પામ્યું કેમ નહીં? તેનું કારણ હતું બોમ્બની સુરક્ષા વ્યવસ્થા.અધિકૃત સૈન્ય દસ્તાવેજો અનુસાર બોમ્બનું ન્યુક્લિયર કેપ્સ્યુલ અલગ સુરક્ષિત બોક્સમાં રાખવામાં આવ્યું હતું અને તે સમયે બોમ્બની અંદર સ્થાપિત કરવામાં આવ્યું નહોતું. એટલે જમીન સાથે અથડાયા બાદ બોમ્બમાં રહેલા સામાન્ય હાઇ-એક્સપ્લોસિવમાં વિસ્ફોટ થયો, પરંતુ તેની પરમાણુ અથવા થર્મોન્યુક્લિયર ચેઇન રિએક્શન શરૂ થયું નહીં.આ સુરક્ષા વ્યવસ્થાએ કદાચ અલ્બુકર્કને ઇતિહાસની સૌથી મોટી પરમાણુ દુર્ઘટનાઓમાંથી એક બનવાથી બચાવી લીધું.જો ન્યુક્લિયર કોર અંદર હોત તો?
કલ્પના કરો કે એ સમયે બોમ્બનું ન્યુક્લિયર કોર તેની અંદર સ્થાપિત હોત અને પરમાણુ વિસ્ફોટની પ્રક્રિયા શરૂ થઈ હોત. તો પરિસ્થિતિ અત્યંત વિનાશકારી બની શકતી હતી.અહેવાલમાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો પ્લૂટોનિયમ કોર બોમ્બમાં સ્થાપિત હોત તો અલ્બુકર્ક માટે પરિણામ વિનાશકારી બની શકે તેમ હતું.આ ઘટના એ પણ સમજાવે છે કે પરમાણુ હથિયારો માત્ર દુશ્મન દેશો માટે જ જોખમી નથી હોતા. તેમની જાળવણી, પરિવહન અને સૈન્ય ઉપયોગ દરમિયાન થતી નાની ભૂલ પણ પોતાના દેશ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
‘બ્રોકન એરો’ તરીકે નોંધાયો અકસ્માત
આ પ્રકારના અમેરિકન પરમાણુ હથિયાર અકસ્માતોને સૈન્ય ભાષામાં ‘Broken Arrow’ તરીકે ઓળખવામાં આવે છે. 22 મે 1957ની અલ્બુકર્ક નજીકની આ ઘટના પણ આવા જ અકસ્માતોમાં સામેલ હતી.ઘટના બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો અને રેડિયેશનની તપાસ હાથ ધરવામાં આવી. જોકે હાઇડ્રોજન બોમ્બનો પરમાણુ વિસ્ફોટ થયો ન હોવાથી હિરોશિમા કે નાગાસાકી જેવી વિનાશકારી સ્થિતિ સર્જાઈ નહોતી.ઘટનાને વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવી, આટલી મોટી ઘટના બની હોવા છતાં સામાન્ય લોકોને તરત તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી નહોતી. આ પ્રકારની સૈન્ય અને પરમાણુ સુરક્ષા સંબંધિત માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી.પછી દાયકાઓ બાદ અમેરિકન સંરક્ષણ સંબંધિત દસ્તાવેજો ડિક્લાસિફાઇ થયા ત્યારે લોકોને ખબર પડી કે 1957માં અલ્બુકર્ક શહેર કેટલી મોટી દુર્ઘટનાની અણી પર આવી ગયું હતું. ઘણા લોકો માટે આ માહિતી ખૂબ ચોંકાવનારી હતી, કારણ કે ઘટનાના સમયે શહેરમાં રહેનારા ઘણા લોકો સુધી તેની સાચી ગંભીરતા ક્યારેય પહોંચી જ નહોતી.
આજે પણ છે એ અકસ્માતની નિશાની
1957ની ઘટના હવે લગભગ સાત દાયકા જૂની થઈ ગઈ છે.પરંતુ અલ્બુકર્કે તે કાળી બપોરને સંપૂર્ણ ભૂલી નથી. કિર્ટલેન્ડ એરફોર્સ બેઝ નજીકના એક રિઝર્વ વિસ્તારમાં આજે પણ આ અકસ્માત દરમિયાન બનેલો વિશાળ ખાડો ઘટનાની યાદ અપાવે છે. આ સિવાય શહેરમાં આવેલું National Museum of Nuclear Science & History પરમાણુ હથિયારો અને તેમના ઇતિહાસને સમર્પિત છે. ત્યાં 1957ના B-36 બોમ્બર સાથે સંબંધિત અવશેષો તથા Mark 17 હાઇડ્રોજન બોમ્બનું વિશાળ ખાલી આવરણ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
આજે કેવું છે અલ્બુકર્ક શહેર?
આજે અલ્બુકર્ક 1957ના એ ભયાનક દિવસથી સંપૂર્ણપણે અલગ છે. તે ન્યૂ મેક્સિકોનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિક શહેર છે અને અહીં મોટી વસ્તી વસે છે.શહેરની એક મોટી ઓળખ ‘હોટ એર બલૂન કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ તરીકે છે. દર વર્ષે ઓક્ટોબરમાં અહીં International Balloon Fiesta યોજાય છે, જેમાં વિશ્વભરમાંથી સૈંકડો રંગબેરંગી હોટ એર બલૂન આકાશમાં જોવા મળે છે. એક સમયે આકાશમાંથી 19 ટનનો ભયાનક હાઇડ્રોજન બોમ્બ પડ્યો હતો, જ્યારે આજે એ જ આકાશ રંગબેરંગી બલૂનોથી ભરાઈ જાય છે, આ વાત પોતાનામાં જ ઇતિહાસનો અદ્ભુત વિરોધાભાસ છે.અલ્બુકર્કની બીજી મોટી ઓળખ અમેરિકન પોપ-કલ્ચર સાથે જોડાયેલી છે. ‘Breaking Bad’ અને ‘Better Call Saul’ જેવી લોકપ્રિય ટીવી સિરીઝને કારણે શહેરની અનેક જગ્યાઓ, ઐતિહાસિક Route 66 અને સ્થાનિક કેફે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
એક ભૂલ અને ઇતિહાસની સૌથી મોટી ‘જો’વાળી ઘટના
22 મે 1957ની આ ઘટના માત્ર એક સૈન્ય અકસ્માત નહોતી. તે પરમાણુ યુગની સૌથી ગંભીર ચેતવણીઓમાંથી એક હતી. એક નાની ટેકનિકલ ભૂલના કારણે હજારો-લાખો લોકોના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે,અને તે પણ એવા સમયે જ્યારે કોઈ દેશ સાથે યુદ્ધ ચાલી રહ્યું ન હોય.સદનસીબે, બોમ્બની સુરક્ષા વ્યવસ્થાને કારણે તેનો સંપૂર્ણ થર્મોન્યુક્લિયર વિસ્ફોટ થયો નહીં.તેથી અલ્બુકર્ક શહેર અને તેની આસપાસ રહેતા લોકો એક એવી સંભવિત આપત્તિમાંથી બચી ગયા જેનો પ્રભાવ કદાચ અમેરિકાના ઇતિહાસને જ બદલી નાખે તેમ હતો.આ ઘટના આજે પણ એક કડવો પાઠ આપે છે,વિશ્વના સૌથી વિનાશક હથિયારો પર કાબૂ રાખવો જેટલો મહત્વપૂર્ણ છે, એટલો જ મહત્વપૂર્ણ છે તેમને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા. કારણ કે યુદ્ધમાં દુશ્મન કરતાં ક્યારેક એક નાની ભૂલ પણ સૌથી મોટો ખતરો બની શકે છે.