‘ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, પરંતુ તેની પાછળ અતિઉચ્ચ સ્તરની ગુપ્તતા, ચોક્કસ આયોજન અને અંતિમ ક્ષણ સુધી દુશ્મનને અજાણ રાખવાની વ્યૂહરચના કામ કરી રહી હતી. 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા બાદ ભારતે જવાબી કાર્યવાહીનું આયોજન શરૂ કર્યું હતું. જોકે હુમલો ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે તેની જાણકારી દેશના ટોચના સૈન્ય અધિકારીઓમાં પણ અંતિમ સમય સુધી ખૂબ મર્યાદિત રાખવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાક્રમની કેટલીક અંદરની વાતો તાજેતરમાં ડિસ્કવરી ચેનલની ‘ડિક્લાસિફાઇડ: ઓપરેશન સિંદૂર’ નામની ડોક્યુમેન્ટરીમાં સામે આવી છે. આ ડોક્યુમેન્ટરીમાં ભારતીય સેનાના ટોચના અધિકારીઓ, ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીઓ, ડિફેન્સ નિષ્ણાતો અને ગ્રાઉન્ડ લેવલના ઓપરેટિવ્સના અનુભવો રજૂ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો ઓપરેશન બાદનો વિગતવાર ઇન્ટરવ્યૂ પણ તેમાં સામેલ છે.
એક ચિઠ્ઠી… અને તેમાં છુપાયેલું આખું ઓપરેશન
ઓપરેશન સિંદૂરની ગુપ્તતાનું સૌથી રસપ્રદ ઉદાહરણ લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ આપ્યું છે. તેઓ તે સમયે ભારતીય સેનાની નોર્ધર્ન કમાન્ડના GOC-in-C હતા. તેમણે જણાવ્યું કે હુમલાની ચોક્કસ તારીખ અને સમય તેમને ફોન પર જણાવવામાં આવ્યા નહોતા.તેમના જણાવ્યા મુજબ, એક બ્રિગેડિયર સ્તરના અધિકારીને દિલ્હી મોકલવામાં આવ્યો હતો. એરફોર્સ ચીફે તેને એક ચિઠ્ઠી આપી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે “આ ચિઠ્ઠી ખોલવી નહીં, સીધી આર્મી કમાન્ડરને આપવી.” કમાન્ડર પોતે જ ચિઠ્ઠી ખોલે અને તેમાં રહેલી માહિતી જાણે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રતીક શર્માને 6 મેના રોજ હુમલાનો ચોક્કસ સમય જાણવા મળ્યો અને ત્યારબાદ તેમણે આ માહિતી અત્યંત ગુપ્ત રાખી હતી.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન માહિતીનું વિતરણ પણ વ્યૂહરચનાનો જ એક ભાગ હતું. કોને શું જાણવું અને ક્યારે જાણવું—તે પણ ખૂબ જ સાવધાનીપૂર્વક નક્કી કરવામાં આવ્યું હતું.
6 મેની સાંજથી શરૂ થયો સસ્પેન્સ
6 મે 2025ની સાંજ ઓપરેશન સિંદૂરના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ બની. ભારતીય સેનાના અધિકારીઓ લગભગ દસેક દિવસથી સંભવિત કાર્યવાહી માટે તૈયારી કરી રહ્યા હતા, પરંતુ અંતિમ હુમલાની તારીખ અને સમય બહુ ઓછા લોકોને ખબર હતી.લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યે તેમણે પોતાના સાથી અધિકારીઓને કહ્યું કે હવે પેકઅપ કરો અને માત્ર ડ્યુટી ઓફિસરને ત્યાં રાખો. તેમણે લગભગ રાત્રે 10:30 વાગ્યે ફરી મળવાનું કહ્યું. પોતે પણ સામાન્ય રીતે નહીં પરંતુ માત્ર એક કાર બોલાવીને શાંતિથી નીકળી ગયા. એટલી ગુપ્તતા રાખવામાં આવી હતી કે તેમના ઘરમાં પણ કોઈને ખબર ન પડે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. પાછળના દરવાજેથી નીકળતી વખતે માત્ર એક ગાર્ડે તેમને જોઈને “જય હિંદ” કહ્યું હતું.
DGMOને પણ અંતિમ ક્ષણે જ ખબર પડી
તે સમયના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એટલે કે DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પણ આ ઓપરેશનની ગુપ્તતાની વિગતો શેર કરી હતી.તેમણે જણાવ્યું કે 6 મેની સવારે સ્પષ્ટ થયું કે તે જ રાત્રે નિશાનાઓને ટાર્ગેટ કરવાના છે. હુમલાનો સમય રાત્રે 1:05 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. સમય પસંદ કરવા પાછળ મુખ્ય કારણ સરપ્રાઇઝ એલિમેન્ટ હતું. દિવસ દરમિયાન હુમલો કરવામાં આવે તો આતંકી કેમ્પમાં રહેલા કેટલાક લોકો બહાર હોઈ શકે અથવા ટ્રેનિંગ સહિતની અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોઈ શકે. રાત્રે ચોક્કસ સમયે હુમલો કરવાથી નિશાનાઓને અચાનક અને અસરકારક રીતે ટાર્ગેટ કરવાની સંભાવના વધારે હતી.રાજીવ ઘઈએ વધુમાં જણાવ્યું કે હુમલો નજીક આવતો ગયો તેમ છતાં મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટોરેટના દરેક વ્યક્તિને ખબર નહોતી કે હવે હુમલાની રાત આવી ગઈ છે. ચોક્કસ સમયે માત્ર તેમને જ ખબર હતી. ત્યારબાદ આર્મી કમાન્ડરને માહિતી આપવામાં આવી અને પછી સંબંધિત અધિકારીઓ તથા સ્ટાફને જાણ કરવામાં આવી.
‘આજે જ D-Day છે’ એ કોઈને ખબર ન પડે
તત્કાલીન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ જણાવ્યું કે સૌથી મોટો પ્રયાસ એ હતો કે કોઈને ખબર ન પડે કે D-Day એટલે હુમલાનો દિવસ આવી ગયો છે.ઓપરેશનના સંદર્ભમાં D-Dayનો અર્થ તે નિર્ધારિત દિવસ હતો જ્યારે કાર્યવાહી શરૂ થવાની હતી. ભારતીય સેનાએ અંતિમ ક્ષણ સુધી આ માહિતી મર્યાદિત રાખી હતી, જેથી દુશ્મનને કોઈ સંકેત ન મળે.
ઘરમાં પણ નહોતી જાણકારી
રાજીવ ઘઈએ જણાવ્યું કે રાત્રે લગભગ 10 વાગ્યે તેમની દીકરી અને જમાઈ અચાનક ઘરે આવ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે તેઓ ઓફિસ જવાના છે, ત્યારે તેમણે તેમને સાઉથ બ્લોક સુધી ડ્રોપ કરવાની ઓફર કરી. તેઓ તેમને ત્યાં સુધી છોડીને ગયા. આ રીતે સામાન્ય લાગતી એક ઘટના વચ્ચે પણ ઓપરેશનની ગુપ્તતા જાળવવામાં આવી હતી.આ તરફ ઓપરેશનમાં સામેલ એક મહિલા ફાઇટર પાયલટે જણાવ્યું કે બપોરે તેમને કમાન્ડિંગ ઓફિસર અને ફ્લાઇટ કમાન્ડરે બોલાવ્યા હતા. ત્યાં તેમને તેમના ટાર્ગેટની માહિતી આપવામાં આવી અને ફોર્મેશન નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને મિશન માટેની કામગીરી શરૂ કરવા જણાવાયું હતું.
એરફોર્સ ચીફે કહ્યું- હું વડોદરા જઈ રહ્યો છું
ઓપરેશનની ગુપ્તતા જાળવવામાં એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહની ભૂમિકા પણ રસપ્રદ હતી.તેમણે જણાવ્યું કે 6 મેની સાંજે તેમણે પહેલેથી જ લોકોને કહી દીધું હતું કે તેઓ દિલ્હીથી બહાર જઈ રહ્યા છે. તેથી ઘણા લોકો એવું માનતા હતા કે તેઓ ફ્લાઇટ લઈને વડોદરા જઈ રહ્યા છે. તેઓ એક એરક્રાફ્ટમાં બેઠા પણ તે વિમાન વડોદરા ગયું જ નહીં. લોકલ ફ્લાઇટ બાદ તેઓ પાછા આવીને લેન્ડ થયા અને તેઓ પાછા આવી ગયા છે તેની જાણકારી પણ ઘણા લોકોને નહોતી.આ જ રીતે નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ પણ પરિવારને કહ્યું હતું કે તેમને કેટલાક કામ માટે બહાર જવાનું છે અને તેમનો રાહ ન જોવો. તેઓ ક્યાં જઈ રહ્યા છે તેની જાણકારી પરિવારને પણ આપવામાં આવી નહોતી. તત્કાલીન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ સામાન્ય રૂટનો ઉપયોગ કર્યો નહોતો. તેમણે પોતાના ADCને વ્યક્તિગત કાર બહાર કાઢવા કહ્યું અને મધરાત પહેલાં ઘરના પાછળના દરવાજેથી નીકળી ગયા.
બધા અલગ-અલગ રસ્તે ઓપરેશન રૂમમાં પહોંચ્યા
પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના જણાવ્યા અનુસાર ટોચના અધિકારીઓ અલગ-અલગ માર્ગોથી ઓપરેશન રૂમ સુધી પહોંચ્યા. ત્યારબાદ જ્વોઇન્ટ ઓપરેશન રૂમમાં ત્રણેય સેનાના ચીફ હાજર હતા અને સમગ્ર કાર્યવાહી લાઇવ મોનિટર કરવામાં આવી રહી હતી.રાત્રે લગભગ 11:30 વાગ્યે ત્રણેય સેનાના ચીફ ઓપરેશન રૂમમાં પહોંચી ચૂક્યા હતા. કર્નલ આકાશ ઉપ્રેતીના જણાવ્યા પ્રમાણે, તે સમયે અનેક સ્ક્રીનો પર લાઇવ ફીડ આવી રહી હતી. દરેક વ્યક્તિનું ધ્યાન સ્ક્રીન પર હતું. ટાર્ગેટ્સને મોનિટર કરવામાં આવી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં એક અલગ પ્રકારની શાંતિ હતી.તેમણે કહ્યું કે તે ક્ષણે તેમને સમજાયું કે આ એક ઐતિહાસિક ક્ષણ બનવાની છે. રૂમમાં હાજર દરેક વ્યક્તિનું ધ્યાન એક જ કામ પર કેન્દ્રિત હતું.
સૌથી મુશ્કેલ ક્ષણ ‘જો ટાર્ગેટ હિટ ન થાય તો?’
રાજીવ ઘઈએ જણાવ્યું કે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં તેઓ પણ નર્વસ હતા. અનેક સ્ક્રીનો સામે ઊભા રહીને તેમના મનમાં સવાલો હતા ,જો મિસાઇલ અથવા હથિયાર ટાર્ગેટને હિટ ન કરે તો શું થશે? જો લાઇવ તસવીરો મોકલતી સિસ્ટમમાં કોઈ ખામી આવી જાય તો શું થશે?પરંતુ આખરે એવું કંઈ થયું નહીં. ભારતીય સેનાની અને વાયુસેનાની યોજના પ્રમાણે કાર્યવાહી આગળ વધી.
રાત્રે 1:05 વાગ્યે શરૂ થયો ઓપરેશન સિંદૂર
અંતે ઘડિયાળે 7 મે 2025ના રાત્રે 1:05 વાગ્યા. આ જ તે સમય હતો જે અગાઉથી નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર તથા પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી માળખાના કુલ 9 ઠેકાણાઓને નિશાન બનાવ્યા.આ હુમલામાં મુરીદકે અને બહાવલપુર જેવા મહત્વપૂર્ણ આતંકવાદી કેન્દ્રો પણ સામેલ હતા. ભારતીય કાર્યવાહીએ પહલગામ આતંકી હુમલાના જવાબમાં આતંકવાદી માળખા સામે કડક સંદેશ આપ્યો.ઓપરેશન સિંદૂરની આ કહાનીનો સૌથી મોટો સંદેશ એ છે કે આધુનિક યુદ્ધ માત્ર હથિયારો અને ટેક્નોલોજીથી જ નહીં, પરંતુ માહિતીની ગુપ્તતા, યોગ્ય સમયની પસંદગી, સંકલન અને સરપ્રાઇઝ એલિમેન્ટથી પણ જીતવામાં આવે છે. હુમલાની ચોક્કસ તારીખ સુધીની માહિતી મર્યાદિત રાખવી, ટોચના અધિકારીઓને અલગ-અલગ માર્ગે ઓપરેશન રૂમ સુધી પહોંચાડવા, પરિવાર ,સહકર્મચારીઓને પણ ગંતવ્યની જાણ ન થવા દેવી અને અંતિમ ક્ષણે જ જરૂરી અધિકારીને માહિતી આપવી આ બધું ઓપરેશન સિંદૂરના આયોજનની અસાધારણ ગુપ્તતાને દર્શાવે છે.