ઓર્થોપેડિક વિભાગના HOD ડૉ. હેમંત માથુર વિવાદમાં, RMOએ જણાવ્યું – રિપોર્ટ બાદ કડક કાર્યવાહી થશે
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૬
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની સારવારના સમય એટલે કે ચાલુ OPD દરમિયાન જ વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ને બોલાવવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સરકારી નિયમોના ઉલ્લંઘન સમાન આ ગંભીર બાબતને ધ્યાને રાખીને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટને સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસના સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, ઓર્થોપેડિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડૉ. હેમંત માથુર દ્વારા છેલ્લા ઘણા સમયથી દર શુક્રવારે OPDના સમયગાળા દરમિયાન જ અલગ-અલગ કંપનીના MRને પોતાની કેબિનમાં મુલાકાત માટે બોલાવવામાં આવતા હતા. દર્દીઓ પોતાની સારવાર માટે લાંબી લાઈનોમાં ઉભા હોય તેવા સમયે જ સરકારી નિયમોને નેવે મુકીને આ પ્રકારે ખાનગી કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવતી હતી. આ અંગેની જાણ થતાં સ્થળ પર પહોંચેલી તપાસ ટીમને જોઈને ત્યાં હાજર અન્ય MR તો નીકળી ગયા હતા, પરંતુ ઓર્થોપેડિક વિભાગના HOD ડૉ. હેમંત માથુર ચાલુ OPD દરમિયાન જ એક MR સાથે પોતાની કેબિનમાં ચર્ચા વિચારણા કરતા કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. આ મામલે જ્યારે ડૉ. માથુરનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે બચાવત્મક ખુલાસો આપ્યો હતો, પરંતુ વાતચીત દરમિયાન જ તેમણે પોતે સ્વીકાર્યું હતું કે નિયમ મુજબ સરકારી હોસ્પિટલના પરિસરમાં કે ચાલુ OPDમાં MR આવી શકે નહીં.
આ ઘટના સામે આવ્યા બાદ SSG હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકારી નિયમો અનુસાર હોસ્પિટલમાં ચાલુ સારવારના સમયે કોઈ પણ MR આવી શકે નહીં કે ડૉક્ટરોને મળી શકે નહીં. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને RMO દ્વારા તુરંત જ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આખી ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા, જેના પગલે સુપ્રિટેન્ડેન્ટે વિધિવત તપાસ કમિટી અથવા તપાસના આદેશ આપ્યા છે. RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ નિયમ અનુસાર ડૉ. હેમંત માથુર સામે કડક શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે.
આ સમગ્ર પ્રકરણમાં સત્ય બહાર લાવવા માટે છેલ્લા બે મહિનાના CCTV ફૂટેજ ચકાસવાની માગ અને શક્યતાઓ પ્રબળ બની છે. જો હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના છેલ્લા બે મહિનાના CCTV ફૂટેજ ચકાસવામાં આવે તો દર શુક્રવારે અથવા સામાન્ય દિવસોમાં કેટલા MR વિભાગમાં આવ્યા હતા અને તેઓ ચોક્કસ કોની મુલાકાત લેતા હતા તેની તમામ વિગતો પુરાવા સાથે સામે આવી શકે તેમ છે. હાલ તો હોસ્પિટલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં શું તથ્યો બહાર આવે છે અને તેના આધારે જવાબદાર HOD સામે કેવા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.