Vadodara

વડોદરામાં રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કૌભાંડનો પર્દાફાશ: પાલિકાએ ઇજારેદારને ફટકાર્યો ₹૩ લાખનો દંડ, ડ્રાઇવર બરતરફ​

LCBની સરપ્રાઇઝ રેડમાં કૌભાંડીઓ રંગેહાથ પકડાયા; અગાઉ કચરાની ગાડીના વાયરલ વીડિયો બાદ પાલિકાએ આકરું વલણ અપનાવ્યું

ચાલુ મહિનામા પણ કચરાની ગાડીમાંથી ડીઝલ ચોરીનો વીડિયો વાયરલ થયો તપાસ શરૂ

વડોદરા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વોર્ડ નંબર ૪ની કચેરી ખાતેથી પાલિકાના રોલર મશીનમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઝોન ૪ એલસીબી (LCB) ટીમે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રોલર મશીનમાંથી અસાઇન કરેલું ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે મહાનગરપાલિકાના વ્હીકલ પૂલ વિભાગ દ્વારા ત્વરિત અને આકરા પગલાં ભરીને કૌભાંડીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે.
​મહાનગરપાલિકાના વ્હીકલ પૂલ મેનેજર જે.આર. ભાંભોરે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ કડક વલણ અપનાવ્યું હતું. તેઓએ ઘટનામાં સીધી રીતે સંડોવાયેલા ડ્રાઇવરને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દીધો છે. આ ઉપરાંત, વહીવટી કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ અને કોન્ટ્રાક્ટના નિયમોના ભંગ બદલ જવાબદાર અલ્ટ્રા મોર્ડનના ઇજારેદારને ₹૩ લાખનો ભારે આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે.

તંત્રની આ સરપ્રાઇઝ કાર્યવાહીના કારણે પાલિકાના અન્ય વિભાગો અને કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
​પાલિકાની મિલકતો અને સંસાધનોનો દુરુપયોગ કરનારા તત્વો સામે મહાનગરપાલિકાએ આ વખતે કોઈ પણ જાતની મધ્યસ્થી કે વિલંબ વગર સીધા જ દંડાત્મક પગલાં લીધા છે. વ્હીકલ પૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે સરકારી નાણાં કે ઇંધણની ચોરી સાંખી લેવામાં આવશે નહીં. આગળના સમયમાં પણ તમામ ઝોનના વાહનો અને મશીનરી પર કડક દેખરેખ રાખવામાં આવશે, જેથી આવા કૌભાંડો પુનરાવર્તિત ન થાય. પાલિકાના આ આકરા એક્શનથી ગેરરીતિ આચરતા અસામાજિક તત્વો અને બેદરકાર ઇજારેદારોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

ચોરીનું નેટવર્ક કે બેદરકારી? પાલિકાના વાહનો બની રહ્યા છે ચોરોનો અડ્ડો!

વડોદરા મહાનગરપાલિકાના વાહનોમાંથી ઇંધણ ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાની કચરાની ગાડીમાંથી શંકાસ્પદ રીતે ડીઝલ કાઢવામાં આવતું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વ્હીકલ પૂલ મેનેજરે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તપાસ પૂર્ણ થયા બાદ દોષિત જણાશે તો સંબંધિત ઇજારેદાર અને ડ્રાઇવર સામે કડકમાં કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top