ભારતમાં જનગણના 2027ને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ થઈ છે. આ વખતે દેશની જનગણના અગાઉની સરખામણીમાં વધુ ડિજિટલ રીતે કરવામાં આવી રહી છે. નાગરિકોને પોતાના ઘર અને પરિવારની વિગતો જાતે જ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે. આ પ્રક્રિયાને સ્વ-ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કહેવામાં આવે છે.
સરકારના જણાવ્યા મુજબ આ સુવિધાનો હેતુ લોકોને પોતાની માહિતી જાતે અને સરળતાથી નોંધાવવાની તક આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ કરીને યુવાનોને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરવામાં મદદ કરવા અપીલ કરી છે, જેથી જનગણનાનો ડેટા વધુ ચોક્કસ બની શકે.
સૌથી પહેલા આ ઓનલાઈન પોર્ટલ ખોલવું પડશે
સ્વ-ગણતરી માટે સરકારનું સત્તાવાર પોર્ટલ ઉપલબ્ધ છે. નાગરિકો ઘરે બેઠા મોબાઇલ અથવા કમ્પ્યુટરની મદદથી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
પ્રક્રિયા શરૂ કરવા માટે https://se.census.gov.in પોર્ટલ પર જઈને પરિવારની માહિતી નોંધાવવાની રહેશે. ત્યારબાદ પરિવારના સભ્યો અંગે જરૂરી વિગતો એક પછી એક ભરવાની રહેશે. સત્તાવાર પોર્ટલ મુજબ સ્વ-ગણતરી માટેની વિન્ડો હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસના તબક્કા દરમિયાન 15 દિવસ માટે ખુલ્લી રહેશે.
કઈ રીતે ભરવાનું રહેશે ફોર્મ?
ઓનલાઈન પ્રક્રિયા ખૂબ સરળ રાખવામાં આવી છે. સામાન્ય રીતે આ રીતે આગળ વધવાનું રહેશે:
- સત્તાવાર સ્વ-ગણતરી પોર્ટલ ખોલો.
- જરૂરી વિગતો સાથે નોંધણી કરો.
- મોબાઇલ નંબર અથવા માંગવામાં આવેલી અન્ય વિગતો દ્વારા ચકાસણી કરો.
- તમારા પરિવારની માહિતી દાખલ કરો.
- ઘરના દરેક સભ્યની જરૂરી વિગતો ભરો.
- ભરેલી માહિતી ધ્યાનથી તપાસો.
- અંતે ફોર્મ ઓનલાઈન સબમિટ કરો.
- સબમિશન બાદ મળતો સ્વ-ગણતરી ઓળખ નંબર સાચવી રાખો.
પશ્ચિમ બંગાળમાં આ પ્રક્રિયા અંગેની માર્ગદર્શિકા મુજબ ઓનલાઈન ફોર્મ ભરવામાં આશરે 15થી 20 મિનિટ લાગી શકે છે. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ અનન્ય સ્વ-ગણતરી ઓળખ નંબર એટલે કે SE ID જનરેટ થાય છે.
માહિતી ભર્યા પછી પણ પ્રક્રિયા પૂરી નહીં ગણાય
સ્વ-ગણતરી ઓનલાઈન કરી દેવાથી આખી જનગણનાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એવું નથી. અધિકારીઓ દ્વારા આગળના તબક્કામાં ઘરની મુલાકાત લઈને વિગતોની ચકાસણી કરવામાં આવશે. અગાઉના સત્તાવાર માર્ગદર્શન મુજબ સ્વ-ગણતરી બાદ મળેલો SE ID ગણતરી અધિકારી સાથે શેર કરવાનો રહે છે અને અધિકારી દ્વારા માહિતીની ચકાસણી થયા બાદ પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવે છે.
જનગણના 2027માં ઘણી નવી વિગતો પણ આવશે
જનગણના 2027માં ડિજિટલ પ્રક્રિયા ઉપરાંત માહિતી એકત્ર કરવાની પદ્ધતિમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બીજા તબક્કાની વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. તેમાં જાતિ અંગેની માહિતી ઉપરાંત આધાર, મતદાર ઓળખપત્ર, બેંક ખાતાં અને કોવિડ-19 રસીકરણ જેવી વિગતો સાથે જોડાયેલા પ્રશ્નો પણ સામેલ છે.
આ રીતે જનગણના 2027 માત્ર દેશની વસ્તી ગણવાની પ્રક્રિયા નહીં રહે, પરંતુ દેશના સામાજિક અને આર્થિક માળખા અંગે વધુ વિગતવાર માહિતી એકત્ર કરવાની મોટી કવાયત બનશે.