લોકોના આરોગ્ય સાથે ચેડાનો આક્ષેપ,ઢાબામાં સ્વચ્છતા સામે સવાલો





( પ્રતિનિધિ )વડોદરા,તા.17
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાણોદ-કરનાળી જતા યાત્રાળુઓ માટેનું મુખ્ય સ્ટોપ ગણાતા વડોદરાથી ડભોઈ રોડ પર આવેલા શ્રી ક્રિષ્ના કાઠીયાવાડી ધાબાની ખાણીપીણીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ધરવાસા ચોકડી નજીકના આ ધાબામાં પીરસવામાં આવેલા ભોજનમાંથી મકોડો અને વાળ નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ફરિયાદ મુજબ ગ્રાહકે દાળમાં મકોડો અને પનીરના શાકમાં વાળ જોયા હતા. આ મામલે જ્યારે ધાબા સંચાલકને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમનો જવાબ હતો બાય મિસ્ટેક થઈ ગયું. સ્થાનિકોનો આક્ષેપ છે કે રસોઈ બનાવવાની જગ્યાએ પણ ગંદકી જોવા મળી રહી છે. રેસ્ટોરન્ટ સંચાલકોની આ બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય યાત્રાધામો તરફ જતા સેંકડો યાત્રાળુઓ દરરોજ આ માર્ગ પરથી પસાર થાય છે અને અહીં ભોજન કરે છે. આવી સ્થિતિમાં ખોરાકની સ્વચ્છતા સામે ઉઠેલા સવાલોને પગલે તંત્રની કાર્યવાહીની માંગ ઉઠી છે. ગ્રાહકોએ આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ કરી ધાબા સામે કડક પગલાં લેવા માંગ કરી છે.