SURAT

દાળમાં ફૂગ, રસોડામાં ગંદકી અને એસિડના કેરબા! વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની આર્યાનું મોત, પરિવારના 4 સભ્યો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. રણુજાધામ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થયા બાદ 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક પાર્સલ કરાવીને ઘરે લઈ જવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોએ આ ભોજન લીધા બાદ મોડી રાત્રે એક પછી એક તબિયત લથડવા લાગી હતી. સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાત્રે 5 વર્ષની બાળકી આર્યાએ દમ તોડી દીધો હતો. રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારમાં આ ઘટના બની છે. પરિવારના જણાવ્યા મુજબ, 15 ઓગસ્ટની રાત્રે આશરે 7:30થી 8 વાગ્યાની વચ્ચે અશોકભાઈ શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું શાક પાર્સલ કરાવીને ઘરે આવ્યા હતા. આ માટે ગૂગલ પેથી પેમેન્ટ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોએ રાત્રે ભોજન લીધું હતું. ત્યાર બાદ પરોઢિયે આશરે 4 વાગ્યાની આસપાસ અશોકભાઈ અને તેમની 5 વર્ષની દીકરી આર્યાને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી તકલીફ શરૂ થઈ હતી.

શરૂઆતમાં પરિવારજનોએ આ તકલીફને સામાન્ય માનીને ફેમિલી ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. પ્રાથમિક સારવાર દરમિયાન બોટલ પણ ચડાવવામાં આવી હતી. જોકે, સમય જતાં પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ બગડવા લાગી હતી. સોમવાર સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બનતા અશોકભાઈ, તેમની પત્ની અને બે પુત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. પરિવારની સ્થિતિ ગંભીર બનતા તમામને સદવિચાર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જોકે, હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની માસૂમ આર્યાનું મોત નીપજ્યું હતું. બાળકીના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

આ ઘટનામાં અશોકભાઈ, તેમની પત્ની અને તેમની બે પુત્રીઓ હાલમાં સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના જણાવ્યા મુજબ, ચારેય દર્દીઓના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની અસર સામે આવી છે. એક બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. અશોકભાઈની પત્ની બીપીની દર્દી હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. હાલ તબીબોની ટીમ દ્વારા તમામની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ શીતલ રેસ્ટોરન્ટ ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે. અધિકારીઓએ રેસ્ટોરન્ટ બંધ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. સેમ્પલના રિપોર્ટ બાદ ભોજનમાં ખરેખર કઈ વસ્તુના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

આરોગ્ય વિભાગની ટીમને રેસ્ટોરન્ટના રસોડામાં ગંદકી જોવા મળી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કેટલીક ખાદ્ય સામગ્રી ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. દાળમાં ફૂગ જોવા મળી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રસોડામાં એસિડના કેરબા પણ હોવાનું સામે આવ્યું હતું. ભોજન બનાવવાની સામગ્રી યોગ્ય રીતે રાખવામાં આવી ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ તમામ બાબતોને પગલે આરોગ્ય વિભાગે સ્થળ પરથી સેમ્પલ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર વ્યાસે જણાવ્યું હતું કે ફૂડ પોઈઝનિંગની માહિતી મળતા જ ટીમ રેસ્ટોરન્ટ પર પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બાદ બાળકીના મોતની જાણ થઈ હતી. હાલ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આરોગ્ય વિભાગને આ ઘટનાની જાણ ઘટનાના દિવસે જ થઈ હતી. પીડિત પરિવારના મોટા ભાઈ ભૂપતભાઈ કળસરિયાએ સમગ્ર ઘટનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેમના નાના ભાઈ અશોકભાઈ ચકુરભાઈ કળસરિયા 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું શાક લઈને આવ્યા હતા. પરિવારના સભ્યોએ ભોજન લીધા બાદ થોડા કલાકોમાં જ તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ફેમિલી ડોક્ટર પાસે સારવાર કરાવવામાં આવી હતી, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા.

ભૂપતભાઈએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે. તેમણે ખાસ કરીને રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની માગ કરી છે, જેથી 15 ઓગસ્ટે ભોજન કેવી રીતે તૈયાર થયું હતું અને તેની સાથે જોડાયેલી તમામ વિગતો સામે આવી શકે. પરિવાર પાસે રેસ્ટોરન્ટમાં કરવામાં આવેલા ડિજિટલ પેમેન્ટના પુરાવા તેમજ ખરીદી સાથે જોડાયેલા અન્ય પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

પરિવારનું કહેવું છે કે આ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. જો ભોજનમાં બેદરકારીના કારણે પરિવારના સભ્યોની તબિયત બગડી હોય અને એક માસૂમ બાળકીનું મોત થયું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પરિવારની માગ છે. મૃતક બાળકી આર્યાના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફૂડ સેમ્પલના રિપોર્ટ બાદ બાળકીના મોતનું ચોક્કસ કારણ અને ફૂડ પોઈઝનિંગ સાથે તેનું સીધું જોડાણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

હાલ પરિવાર માટે સૌથી મોટો પડકાર અન્ય ચાર સભ્યોની સારવારનો છે. એક તરફ માસૂમ દીકરીના મોતનું દુઃખ છે, તો બીજી તરફ માતા-પિતા અને બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પરિવારને યોગ્ય ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે રેસ્ટોરન્ટમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન થાય તેવી પણ માંગ ઉઠી છે.

Most Popular

To Top