ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા સ્પિનર દિગ્વેશ રાઠી ફરી એકવાર પોતાના નોટબુક સેલિબ્રેશનને કારણે ચર્ચામાં આવ્યો છે. દિલ્હી પ્રીમિયર લીગ 2026માં પુરાની દિલ્હી 6 અને આઉટર દિલ્હી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ ફરી એ જ અંદાજમાં ઉજવણી કરી હતી, જેના કારણે અગાઉ IPLમાં પણ તેની સામે કાર્યવાહી થઈ ચૂકી છે. આ વખતે દિગ્વેશનું સેલિબ્રેશન વધુ ચર્ચામાં આવ્યું કારણ કે વિકેટ લીધા બાદ તે પોતાના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરવા જવાને બદલે પેવેલિયન તરફ જઈ રહેલા પ્રિયાંશ આર્યની પાછળ દોડ્યો હતો. દિગ્વેશ પ્રિયાંશની એકદમ નજીક પહોંચ્યો અને ત્યારબાદ જમીન પર લખવાની પોતાની જાણીતી નોટબુક સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને હવે DPL પ્રશાસન દિગ્વેશના આ વર્તન અંગે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તેના પર નજર રહેશે.
દિગ્વેશ રાઠી અને પ્રિયાંશ આર્ય વચ્ચે આ પહેલીવાર આવી ઘટના બની નથી. IPL 2025 દરમિયાન પણ બંને ખેલાડીઓ વચ્ચે આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે દિગ્વેશ વિકેટ લીધા બાદ બેટ્સમેનની નજીક જઈને આક્રમક રીતે સેન્ડ-ઓફ આપતો હતો. તેના આ વર્તનને લઈને ચર્ચા થઈ હતી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. IPLમાં દિગ્વેશ સામે મેચ ફીના દંડ ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ઉજવણીની પોતાની રીતમાં થોડો ફેરફાર કર્યો હતો અને મેદાન પર જમીન પર લખીને નોટબુક સેલિબ્રેશન કરવાનું શરૂ કર્યું હતું. જોકે, DPLમાં પ્રિયાંશ આર્યને આઉટ કર્યા બાદ તેણે ફરીથી બેટ્સમેનની પાછળ દોડીને આ જ પ્રકારની ઉજવણી કરી હતી.
અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શરૂઆતથી જ આઉટર દિલ્હી વોરિયર્સના બેટ્સમેનોએ પુરાની દિલ્હી 6ના બોલરો પર દબાણ બનાવી દીધું હતું. ઓપનર પ્રિયાંશ આર્ય અને યાજસ શર્માએ તોફાની શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. બંને બેટ્સમેનોએ પાવરપ્લે દરમિયાન જ રનનો વરસાદ કર્યો હતો. પુરાની દિલ્હી 6ના કેપ્ટન અનુજ રાવતે 10મી ઓવરમાં દિગ્વેશ રાઠીને બોલિંગ સોંપી હતી. દિગ્વેશે પોતાની ઓવરના પહેલા જ બોલ પર પ્રિયાંશ આર્યની વિકેટ મેળવી હતી. તેણે ઓફ સ્ટમ્પની બહાર બેક-ઓફ-લેન્થ બોલ નાખ્યો હતો. પ્રિયાંશે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટ સાથે યોગ્ય રીતે કનેક્ટ થયો નહોતો. લોંગ-ઓન પર રોહન રાઠીએ સરળ કેચ પકડીને પ્રિયાંશની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.
પ્રિયાંશ આર્યએ 21 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. તેની વિકેટ પડતાં જ દિગ્વેશ તેની પાછળ દોડ્યો હતો અને નજીક જઈને નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. આ ઘટનાને કારણે મેચમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. દિગ્વેશની આ ઓવર માત્ર સેલિબ્રેશન માટે જ નહીં, પરંતુ તેની બોલિંગ માટે પણ મહત્વપૂર્ણ રહી હતી. પ્રિયાંશને આઉટ કર્યા બાદ માત્ર બે બોલમાં તેણે યાજસ શર્માની પણ વિકેટ ઝડપી હતી. યાજસે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 36 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 86 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જોકે, દિગ્વેશે તેને પણ પેવેલિયન મોકલીને આઉટર દિલ્હી વોરિયર્સની મોટી ભાગીદારી તોડી નાખી હતી.
પોતાની પ્રથમ ઓવરમાં માત્ર એક રન આપીને બે વિકેટ ઝડપ્યા બાદ દિગ્વેશે આગળ પણ અસરકારક બોલિંગ કરી હતી. તેણે વિકેટકીપર ધ્રુવ સિંહને પણ આઉટ કર્યો હતો. ચાર ઓવરના પોતાના સ્પેલમાં દિગ્વેશે માત્ર 25 રન આપીને કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. આ રીતે તેની બોલિંગ ટીમ માટે મહત્વની સાબિત થઈ હતી. આઉટર દિલ્હી વોરિયર્સે શરૂઆતમાં બે વિકેટ ઝડપથી ગુમાવ્યા છતાં મોટો સ્કોર બનાવ્યો હતો. અક્ષય સૈનીએ 23 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા, જ્યારે હર્ષ ત્યાગીએ માત્ર 15 બોલમાં 32 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. આ બેટિંગના કારણે આઉટર દિલ્હી વોરિયર્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 219 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો.
220 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પુરાની દિલ્હી 6એ પણ જોરદાર શરૂઆત કરી હતી. આર્યન ગૌડ અને સમર્થ સેઠે પ્રથમ વિકેટ માટે 8.4 ઓવરમાં 104 રન જોડ્યા હતા. સમર્થ સેઠે 24 બોલમાં 42 રન બનાવ્યા હતા, જ્યારે આર્યન ગૌડે 37 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. શરૂઆતમાં ટીમ સરળતાથી લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે, મિડલ ઓવર્સમાં નિયમિત અંતરે વિકેટ પડતાં પુરાની દિલ્હી 6ની રનચેઝની ગતિ ધીમી પડી ગઈ હતી. આઉટર દિલ્હી વોરિયર્સના અમન ચૌધરીએ ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષ ત્યાગીએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. બંનેની અસરકારક બોલિંગના કારણે પુરાની દિલ્હી 6ની ટીમ 20 ઓવરમાં 198 રન સુધી જ પહોંચી શકી હતી.
આ રીતે આઉટર દિલ્હી વોરિયર્સે આ હાઈ-સ્કોરિંગ મુકાબલો 21 રને જીતી લીધો હતો. આ જીત સાથે ટીમના કુલ 11 પોઈન્ટ થઈ ગયા અને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જોકે, મેચના પરિણામ કરતાં દિગ્વેશ રાઠીનું નોટબુક સેલિબ્રેશન વધુ ચર્ચામાં રહ્યું છે. દિગ્વેશ રાઠી અગાઉ પણ પોતાની આક્રમક ઉજવણીના કારણે વિવાદમાં રહ્યો છે. IPLમાં શિસ્તભંગની કાર્યવાહી બાદ હવે ફરી સ્થાનિક T20 લીગમાં આવી જ ઘટના સામે આવતા તેના વર્તનને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પ્રિયાંશ આર્યની પાછળ દોડીને ઉજવણી કરવાને કારણે આ ઘટનાને સામાન્ય સેલિબ્રેશન કરતાં અલગ રીતે જોવામાં આવી રહી છે. હવે DPLના આયોજકો અને સંબંધિત અધિકારીઓ દિગ્વેશ રાઠીના આ વર્તનને લઈને શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. એક તરફ દિગ્વેશે બોલિંગમાં ત્રણ મહત્વની વિકેટ લઈને પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું, તો બીજી તરફ તેના સેલિબ્રેશને ફરી વિવાદને જન્મ આપ્યો છે.