Vadodara

વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન

ભાદરવા નદીના પવિત્ર જળથી સ્નાન બાદ ભગવાન જગન્નાથજીને ભરાયો તાવ, ૧૫ દિવસ માટે ‘અણસર ઓરડામાં’ ક્વોરેન્ટાઇન!

આજથી મંદિરના કપાટ ભક્તો માટે બંધ, મુખ્ય સેવકો દ્વારા પ્રભુને આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઓસડિયાંની ગુપ્ત સારવાર અપાશે, નેત્રોત્સવ બાદ પ્રભુ રથયાત્રાએ નીકળશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૯

વડોદરા :- શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે અષાઢી દૂજે યોજાનારી આગામી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત સ્નાનયાત્રા મહોત્સવ અત્યંત ઉત્સાહભેર અને ભક્તિમય માહોલમાં યોજાયો હતો. આ પવિત્ર અને અલૌકિક પ્રસંગે મહાપ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ‘જય જગન્નાથ’ અને ‘હરે ક્રિષ્ના’ ના નારાઓ તેમજ કરતાલ-મૃદંગના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ એકદમ ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું.

શાસ્ત્રોક્ત પરંપરા અને ધાર્મિક માન્યતા મુજબ, આ શાહી સ્નાનયાત્રા દરમિયાન ભાદરવા નદીના પવિત્ર જળ અને વિવિધ સુગંધિત દ્રવ્યો તેમજ ઔષધિઓથી અતિશય સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથજીને તાવ આવે છે. આથી, સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ પ્રભુ હવે આગામી ૧૫ દિવસ માટે ‘અણસર ઓરડામાં’ એટલે કે એક પ્રકારે ક્વોરેન્ટાઇનમાં (અજ્ઞાતવાસમાં) જશે. આ ૧૫ દિવસના ગાળા દરમિયાન મંદિરના કપાટ સામાન્ય ભક્તો માટે સદંતર બંધ રહેશે. ભક્તો હવે આગામી પખવાડિયા સુધી કાળિયા ઠાકોરના પ્રત્યક્ષ દર્શનનો લાભ મેળવી શકશે નહીં.

ભગવાનના અજ્ઞાતવાસના આ દિવસો દરમિયાન માત્ર મુખ્ય સેવકો દ્વારા જ પ્રભુની અત્યંત ગુપ્ત સેવા-પૂજા કરવામાં આવશે. પ્રભુને તાવમાંથી સાજા કરવા માટે વિવિધ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો વિશેષ લેપ અને પરંપરાગત ઓસડિયાંની સારવાર (કાઢો) આપવામાં આવશે. તેમજ આ દિવસોમાં ભગવાનને માત્ર સાદો ભોગ જ ધરાવવામાં આવશે. ૧૫ દિવસના આ વિશેષ ઉપચાર બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈને ‘નેત્રોત્સવ વિધિ’ સાથે ભક્તોને નવયૌવન સ્વરૂપે પુનઃ દર્શન આપશે. ત્યારબાદ આગામી સમયમાં અષાઢી બીજના પવિત્ર દિવસે પ્રભુ ભવ્ય રથયાત્રા દ્વારા નગરચર્યાએ નીકળી નગરજનોને આશીર્વાદ આપશે.

Most Popular

To Top