Vadodara

વડોદરા SSG હોસ્પિટલના રુકમિણી પ્રસૂતિ ગૃહને ફાયર બ્રિગેડની લાલ આંખ, ગંભીર બેદરકારી બદલ નોટિસ

તંત્રની ઘોર લાપરવાહી, મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના અતિ સંવેદનશીલ ગાયનેક વોર્ડમાં સુરક્ષા રામભરોસે, આકસ્મિક ચેકિંગમાં ફાયર બ્રિગેડને મળી મોટી ખામી

નવજાત બાળકો અને માતાઓના જીવ જોખમમાં મૂકતી હોસ્પિટલ તંત્રની મોટી લાપરવાહી, આગ ઓલવવાનો અંડરગ્રાઉન્ડ સંપ સાવ ખાલીખમ મળ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૩૦

વડોદરા :- ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ એક વખત ફરી વિવાદો અને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં આવેલા અને અત્યંત સંવેદનશીલ ગણાતા ‘રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહ’ને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલ સાંજે એક મહત્વપૂર્ણ અને કડક નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર સેફ્ટીના નિયમોના સરેઆમ ઉલ્લંઘન અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી બદલ ફાયર વિભાગ દ્વારા આ આકરું પગલું ભરવામાં આવતા જ હોસ્પિટલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલ કેમ્પસમાં એક આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે રુકમિણી પ્રસૂતિ ગૃહમાં આગ જેવી કટોકટીની સ્થિતિમાં સામનો કરવા માટે બનાવવામાં આવેલો પાણીનો અંડરગ્રાઉન્ડ સંપ સાવ ખાલીખમ જોવા મળ્યો હતો. તંત્રની આ આઘાતજનક લાપરવાહી સામે આવતા જ ફાયર વિભાગે મોડું કર્યા વિના હોસ્પિટલ સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી દીધી હતી.

ભવિષ્યની મોટી હોનારત રોકવા ફાયર બ્રિગેડે કડક આદેશ આપતાં જણાવ્યું હતું કે, પ્રસૂતિ ગૃહ એ હોસ્પિટલનો એવો સંવેદનશીલ વિભાગ છે જ્યાં નવજાત માસૂમ બાળકો અને સગર્ભા માતાઓ મોટી સંખ્યામાં સારવાર હેઠળ હોય છે. આવા વોર્ડમાં જો કોઈ કારણસર આગની દુર્ઘટના સર્જાય અને પાણી જ ઉપલબ્ધ ન હોય, તો સ્થિતિ કેટલી ભયાવહ બની શકે તેની કલ્પના માત્ર ધ્રુજાવી દેનારી છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ઇમરજન્સીના સમયે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ફાયર સેફ્ટી માટે અલગથી પાણીની ટાંકીની વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવામાં આવે. જો આગામી સમયમાં નિયમોનું પાલન નહીં થાય તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Most Popular

To Top