Vadodara

લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ

રૂ.10 હજારની લાંચની માંગણી કરી ખાખીને બદનામ કરનાર સામે પોલીસ કમિશનરની લાલ આંખ

બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડેટાની તપાસ શરૂ, ફરાર PSIને પકડવા અલગ-અલગ ટીમો રવાના

વડોદરા તા 29

માંજલપુર પોલીસ સ્ટેશનના લાંચકાંડમાં મુખ્ય આરોપી PSI મલ્લિકા પરમાર હજુ પણ ફરાર છે. ACBએ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓના બેંક એકાઉન્ટ, મોબાઇલ ડેટા અને રહેણાંક સ્થળોની તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ કમિશનરે લાંચના કેસમાં સંડોવાયેલા PSI મલ્લિકા પરમાર અને ASI જયકિશન ગામેતીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ દરમિયાન PSI મલ્લિકાબેન પરમારે ફરિયાદીને હેરાનગતિ ન કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી આપવા માટે શરૂઆતમાં રૂ.25 હજારની લાંચ માંગી હતી. બાદમાં રકઝક થતાં રૂ.10 હજાર લેવાનું નક્કી થયું હતું. આરોપી PSIએ ફરિયાદીને લાંચની રકમ ASI જયકિશન ગામેતીને આપવાનું જણાવ્યું હતું.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. તલાટીના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ફરિયાદીએ માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ભાવના ઝેરોક્ષ સામે મુખ્ય માર્ગ પર ઉભેલી ASI જયકિશન ગામેતીની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર રૂ.10 હજાર મૂક્યા હતા. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની તપાસ હવે ACBના PI અંકુર પ્રજાપતિ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપી જય કિશનના રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરાયો છે મુખ્ય આરોપી PSI મલ્લિકા પરમાર હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો વિવિધ સ્થળોએ તપાસ માટે રવાના કરવામાં આવી છે. બીજી તરફ ઝડપાયેલા ASI જયકિશન ગામેતીના એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન ACBએ બંને આરોપીઓના રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉપરાંત બંનેના બેંક એકાઉન્ટની વિગતો મેળવી નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓના મોબાઇલ ફોનમાંથી ડેટા રિકવર કરવા માટે તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.
આ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પણ લાંચના કેસમાં કડક વલણ અપનાવી રૂ.10 હજારની લાંચ માંગવાના આરોપમાં સંડોવાયેલા PSI મલ્લિકા પરમાર અને ASI જયકિશન ગામેતીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top