મેન્યુઅલ પદ્ધતિમાંથી મુક્તિ મેળવવા કરોડોનો ધુમાડો કરાયા બાદ પણ તંત્ર ‘અપડેટ’ થવામાં નિષ્ફળ; ભારે વરસાદ પહેલા સેન્સર્સ રિપેર કરવા માંગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પૂર અને જળસ્તરની પરિસ્થિતિ પર નજર રાખવા માટે લાખો રૂપિયાના ખર્ચે વિવિધ સ્થળોએ આધુનિક વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા છે. જોકે, વર્તમાન ચોમાસાની શરૂઆત થતાની સાથે જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં સ્માર્ટ સિસ્ટમના ધજાગરા ઉડ્યા હોય તેમ પૂર વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ૧૦ સેન્સરમાંથી ૪ સેન્સર હાલ બંધ હાલતમાં હોવાનું સપાટી પર આવ્યું છે.
વર્ષ ૨૦૨૨ પહેલા વડોદરામાં પાણીનું જળસ્તર માપવા માટે મેન્યુઅલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ ટેક્નોલોજીના આધુનિકીકરણ અંતર્ગત આજવા, અકોટા બ્રિજ, અશોજ ફીડર, કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, સમા-હરણી બ્રિજ, બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર સહિત ૧૦ સંવેદનશીલ સ્થળોએ સેન્સર ઇન્સ્ટોલ કરાયા હતા. આ ટેક્નોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય નદી અને જળાશયોના પાણીના સ્તરની રિયલ ટાઈમ માહિતી કોર્પોરેશનના કંટ્રોલ રૂમ અને અધિકારીઓના મોબાઈલ સુધી ઓનલાઈન પહોંચાડવાનો છે, જેથી પૂર જેવી આપત્તિજનક સ્થિતિમાં સમયસર યોગ્ય નિર્ણયો લઈ શકાય અને નીચાણવાળા વિસ્તારોના લોકોને ત્વરિત એલર્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.
પરંતુ ચોમાસાના પ્રારંભે જ બહુચરાજી બ્રિજ, મુજમહુડા બ્રિજ, વડસર બ્રિજ અને પ્રતાપ સરોવર ખાતે લગાવેલા સેન્સર બંધ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે સ્થળોએ કેબલ કપાઈ જવાને કારણે સિસ્ટમ ખોરવાઈ ગઈ છે, જ્યારે એક સ્થળે સેન્સર લાંબા સમયથી મેન્ટેનન્સ હેઠળ હોવાથી કોઈ ડેટા મળી રહ્યો નથી. પરિણામે, આ ચાર મહત્વપૂર્ણ સ્થળોના પાણીના સ્તરની ઓનલાઈન માહિતી તંત્રને મળતી બંધ થઈ ગઈ છે.
તાજેતરમાં જ દેશના અનેક શહેરોમાં પ્રારંભિક વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વડોદરા પણ ભૂતકાળમાં અનેકવાર વિશ્વામિત્રીના પૂરમાં સપડાયું છે, ત્યારે વરસાદની તીવ્રતા વધે તે પહેલાં જ આવી મહત્વની સુરક્ષા સિસ્ટમ ખોરવાઈ જતાં પૂર વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ છે અને મુશ્કેલી વરસે તે પહેલાં બંધ પડેલા સેન્સર્સ તાત્કાલિક રીપેર કરી કાર્યરત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.