Vadodara

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં VGL અને અમૂલ વચ્ચે ઐતિહાસિક MoU સંપન્ન

વડોદરા ગેસ લિમિટેડના CNG સ્ટેશનો પર હવે ખુલશે ‘અમૂલ પાર્લર્સ’, વાહનચાલકોને રિફ્યુઅલિંગ સાથે મળશે ડેરી ઉત્પાદનોની સ્માર્ટ સુવિધા

વડોદરા અને છોટા ઉદેપુરમાં સ્વચ્છ ઊર્જા સાથે શુદ્ધ આહારનો સમન્વય, વન-સ્ટોપ સોલ્યુશનથી ગ્રાહકોના સમયની બચત થશે અને સીએનજી ડીલરો માટે બિઝનેસની નવી તકો ઊભી થશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.૩૦

વડોદરા :- વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના બીજા દિવસે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના વાહનચાલકો અને ગ્રાહકો માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ વચ્ચે ગ્રાહક સુવિધામાં અભિવૃદ્ધિ કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ હવે VGLના પસંદગીના CNG સ્ટેશનો પર આધુનિક ‘અમૂલ પાર્લર્સ’ સ્થાપિત કરવામાં આવશે, જેનાથી ગ્રાહકોને ગેસ ભરાવતી વખતે જ દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનો સરળતાથી મળી રહેશે.

આ હાઈ-પ્રોફાઈલ એમઓયુ પર VGLના મેનેજિંગ ડિરેક્ટર વિનય શ્રીવાસ્તવ અને અમૂલના ઉચ્ચ પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા. આ ગૌરવપૂર્ણ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા VGLના ચેરમેન અરુણ મહેશ બાબુ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને VGLના ડિરેક્ટર (કોમર્શિયલ) અક્ષય બુડાનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સંસ્થાઓને આ નવતર પ્રયોગ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ વન-સ્ટોપ સોલ્યુશન આઉટલેટ્સ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ વ્યૂહાત્મક લોકેશન પર આવેલા CNG સ્ટેશનો પર શરૂ કરાશે. આ નવીન પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના સમયની બચત કરવાનો અને તેમને રિફ્યુઅલિંગ દરમિયાન હાઈજીનિક અને ક્વોલિટી પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો છે. સીએનજી પુરાવવા માટે લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકો હવે તે સમય દરમિયાન પોતાની દૈનિક જરૂરિયાતની વસ્તુઓની ખરીદી પણ કરી શકશે.

આ જોડાણથી માત્ર ગ્રાહકોને જ ફાયદો થશે એવું નથી, પરંતુ VGLના સીએનજી સ્ટેશન સંભાળતા સ્થાનિક ડીલરો માટે પણ કમાણી અને વ્યવસાયના નવા દ્વાર ખુલશે. સ્ટેશનો પર ફૂટફોલ વધવાથી આઉટલેટ્સ વધુ આધુનિક અને ગ્રાહક-કેન્દ્રિત બનશે.

આ ભાગીદારીના મુખ્ય લક્ષ્યો અને ફાયદા…

  • મૂલ્યવર્ધિત સેવાઓ :- ગ્રાહકોને માત્ર ઇંધણ જ નહીં, પરંતુ એક બહેતર લાઇફસ્ટાઇલ અનુભવ આપવો.
  • સ્માર્ટ આઉટલેટ્સ :- VGLના પરંપરાગત રીટેલ આઉટલેટ્સને સ્માર્ટ અને મોર્ડન સુવિધા કેન્દ્રોમાં રૂપાંતરિત કરવા.
  • ગ્રાહક સંતોષ :- એક જ છત્ર નીચે બહુવિધ સેવાઓ આપીને ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવવો.

વડોદરા ગેસ લિમિટેડ હંમેશા ગ્રાહકો અને સમાજના હિતમાં નવીન ટેકનોલોજી અને સહયોગ માટે અગ્રેસર રહ્યું છે. આ પ્રસંગે સત્તાધીશોએ જણાવ્યું હતું કે, “સ્વચ્છ ઊર્જાની સાથે હવે વધુ સુવિધા અને વધુ ગુણવત્તા આપવાનો અમારો આ સંકલ્પ અમૂલ સાથેની ભાગીદારીથી વધુ મજબૂત બનશે.” આમ, આગામી દિવસોમાં વડોદરાવાસીઓને સીએનજી સ્ટેશનો પર એક નવો જ ગ્રાહક અનુભવ જોવા મળશે.

Most Popular

To Top