Vadodara

અમેરિકામાં એક જ સપ્તાહમાં બીજી વખત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું મેયોરલ સન્માન

અમેરિકાના બે શહેરોમાં સતત મળેલા સન્માનથી ભારતીય સંસ્કૃતિ, નૈતિક જીવનશૈલી અને માનવતાના મૂલ્યોને વૈશ્વિક સ્વીકૃતિ મળી

વડોદરા: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત, નૈતિક જીવનશૈલી અને શાશ્વત મૂલ્યોના પ્રેરક પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને અમેરિકામાં એક જ સપ્તાહમાં બીજી વખત નગરપતિ દ્વારા વિશેષ સન્માન મળતા ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગત ૨૨ જૂનના રોજ અમેરિકાના રોનોક શહેરના મેયર દ્વારા ‘ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી ડે’ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૫ જૂને ડેલાવર રાજ્યના વિલ્મિંગટન શહેરના મેયર અને ડેલાવરના પૂર્વ ગવર્નર તથા પૂર્વ સાંસદ જોન કાર્નીએ પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને ‘મેયોરલ ટ્રિબ્યુટ’ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે મેયર જોન કાર્નીએ જણાવ્યું હતું કે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ વિશ્વભરના અસંખ્ય લોકોને કરુણા, સેવા, નૈતિકતા અને વ્યક્તિગત જવાબદારી સાથે જીવન જીવવાની પ્રેરણા આપી છે. તેમના વિચારો અને સંદેશ માત્ર કોઈ એક સમાજ કે ધર્મ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક સરહદો ઓળંગીને માનવ હૃદય સુધી પહોંચે છે. જીવનમૂલ્યોને આધુનિક જીવન સાથે જોડવાની તેમની આગવી શૈલીને કારણે તેઓ વિશ્વભરના યુવાનો અને પરિવારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

એક જ સપ્તાહમાં અમેરિકાના બે અલગ-અલગ શહેરો દ્વારા મળેલું આ વિશિષ્ટ સન્માન માત્ર પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના વ્યક્તિત્વનો જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સદાચાર, સેવા અને માનવતાના શાશ્વત મૂલ્યોનો પણ વૈશ્વિક સ્વીકાર છે. આ સન્માન એ સાબિત કરે છે કે સાચા મૂલ્યો, કરુણા અને માનવસેવાનો સંદેશ વિશ્વના કોઈપણ ખૂણે લોકોના હૃદયને સ્પર્શી શકે છે.

Most Popular

To Top