મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં રસ્તા પર ફરી વળ્યું પીવાનું પાણી, વાહનચાલકો પરેશાન



( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરના છાણી-બાજવા ગરનાળા વિસ્તારમાં વરસાદ વગર જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં નારાજગી ફેલાઈ હતી. મુખ્ય પાણીની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, વિસ્તારમાં પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં ભારે દબાણ સાથે પાણી બહાર આવવા લાગ્યું હતું. જોતજોતામાં ગરનાળાનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી અને ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો કે એક તરફ સરકાર જળ એ જીવન અને પાણી બચાવોના સંદેશા આપે છે, જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે રોજ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પાઇપલાઇનની યોગ્ય જાળવણી ન થતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ધોરણે લીકેજ રીપેર કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમારકામની કામગીરી શરૂ કરી હતી.