ફિફા વર્લ્ડ કપ 2026માં સૌથી મોટો ઉલટફેર સામે આવ્યો છે. રાઉન્ડ ઓફ 32માં રમાયેલી રોમાંચક મેચમાં પેરાગ્વેએ ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો 1-1ની બરાબરી પર રહી હતી, ત્યારબાદ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી લેવાયો. આ હાર સાથે જર્મનીનો એક ઐતિહાસિક રેકોર્ડ પણ તૂટી ગયો. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં જર્મનીની ટીમ ક્યારેય પેનલ્ટી શૂટઆઉટમાં હારી નહોતી. પરંતુ આ વખતે પેરાગ્વેએ જર્મનીના આ અજેય રેકોર્ડનો અંત લાવીને ઇતિહાસ રચ્યો છે અને અંતિમ-16માં સ્થાન મેળવી લીધું છે. બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત બતાવી હતી. પ્રથમ હાફની 42મી મિનિટે જુલિયો એન્સિસોએ શાનદાર ગોલ ફટકારી પેરાગ્વેને 1-0ની લીડ અપાવી હતી. આ ગોલ બાદ જર્મની પર દબાણ વધી ગયું હતું.
બીજા હાફમાં જર્મનીએ જોરદાર વાપસી કરી હતી. ફ્લોરિયન વિર્ટ્ઝના સુંદર ક્રોસ પર કાઈ હેવર્ટ્ઝે હેડર દ્વારા ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. ત્યારબાદ જર્મનીના જોનાથન ટાહે વધુ એક હેડર દ્વારા ગોલ કર્યો હતો, પરંતુ રેફરીએ તેને અમાન્ય જાહેર કર્યો હતો. તેથી મેચ ફરી બરાબરી પર રહી અને અંતે પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી. પેનલ્ટી શૂટઆઉટમાં શરૂઆત જર્મની માટે નિરાશાજનક રહી હતી. કાઈ હેવર્ટ્ઝનો પહેલો શોટ પેરાગ્વેના ગોલકીપરે શાનદાર રીતે રોકી લીધો હતો. બીજી તરફ પેરાગ્વેના મોરિસિયો અને ગુસ્તાવો ગોમેઝે પોતાની પેનલ્ટી સફળતાપૂર્વક ગોલમાં ફેરવી દીધી હતી.
જર્મની તરફથી જોશુઆ કિમીચ અને જમાલ મુસિયાલાએ ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કર્યો હતો, પરંતુ ત્યારબાદ મટિયાસ ગેલાર્ઝાએ ગોલ કરીને ફરી પેરાગ્વેને આગળ કરી દીધું. જર્મનીના નિક વોલ્ટેમેડનો શોટ પણ ગોલકીપરે રોકી લેતાં જર્મની મુશ્કેલીમાં આવી ગયું હતું. અનુભવી ગોલકીપર મેન્યુઅલ નોયરે શાનદાર રમત બતાવી હતી. તેમણે એન્ટોનિયો સનાબ્રિયા અને ફેબિયન બાલબુએનાના બે મહત્વના શોટ બચાવીને જર્મનીને મેચમાં જાળવી રાખી હતી. ત્યારબાદ નાદિમ અમીરીએ ગોલ કરીને સ્કોર ફરી 3-3થી બરાબર કર્યો હતો.
નિર્ણાયક ક્ષણે જોસે કનાલે પેરાગ્વે માટે હીરો સાબિત થયો. ભારે દબાણ વચ્ચે તેણે પોતાની પેનલ્ટીને કોઈ ભૂલ કર્યા વગર ગોલમાં ફેરવી દીધી અને પેરાગ્વેને 4-3ની ઐતિહાસિક જીત અપાવી. ગોલ થતાં જ પેરાગ્વેના ખેલાડીઓ અને સમર્થકોમાં જબરદસ્ત ઉજવણી જોવા મળી હતી. કોચ ગુસ્તાવો અલ્ફારોના માર્ગદર્શન હેઠળ પેરાગ્વેએ ફેવરિટ ગણાતી જર્મનીને હરાવીને અંતિમ-16માં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ટૂર્નામેન્ટ જીતવાના દાવેદારોમાં સામેલ જર્મનીની સફર આ જ તબક્કે સમાપ્ત થઈ ગઈ છે, જે વર્લ્ડ કપ 2026નો અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર માનવામાં આવી રહ્યો છે.