પ્રમુખપતિએ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
છોટાઉદેપુર; છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના પતિ અને સ્ટેટ બેંકના નિવૃત મેનેજર કિશનભાઈ કચુભાઈ કોળીને ફોન પર વીડિયો કોલ કરી રૂ. ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને નગરપાલિકા પ્રમુખ પદેથી રાજીનામું અપાવવા અને પરિવાર સહિત સમાજના સરકારી નોકરી કરતા લોકોને નોકરીમાંથી ઘરભેગા કરવાની ધાક-ધમકી આપવા બદલ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદની વિગતો મુજબ, ગત તારીખ ૨૬/૦૬/૨૦૨૬ના રોજ સાંજના આશરે ૦૮:૦૭ વાગ્યે કિશનભાઈ કોળી પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ નંબર પર એક વીડિયો કોલ આવ્યો હતો. સામે પક્ષે વાત કરનાર વ્યક્તિએ પોતા ઓળખ ‘અબ્બાસ ખુટવાલા વકીલ’ તરીકે આપી હતી. ત્યારબાદ તેણે આ ફોન છોટાઉદેપુરના સ્થાનિક રહેવાસી અસ્ફાક વલીમહમદ મકરાણીને આપ્યો હતો.અસ્ફાકે કિશનભાઈને સીધી ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તેઓ રૂ. ૨૫,૦૦,૦૦૦/- (પચીસ લાખ) નહીં આપે તો તેમના પરિવારને અને આખા સમાજને મોટું નુકસાન પહોંચાડવામાં આવશે. સાથે જ કિશનભાઈના પત્ની મંજુલાબેનને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવા માટે દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે
આ ઘટનાના આશરે ૨૫ દિવસ પહેલા પણ બે અજાણ્યા ઈસમો ને અસ્ફાક મકરાણીએ મોકલ્યા હોવાનું કહીને ધમકી આપી ગયા હતા. આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, જો ખંડણીની રકમ નહીં મળે તો સમાજના સરકારી નોકરી કરતા આશરે ૧૫૦૦ જેટલા લોકોનું લિસ્ટ બનાવેલું છે. આ તમામ લોકોના જાતિના દાખલાઓની તપાસ કરાવીને તેમને નોકરીમાંથી બરતરફ કરાવી દેવામાં આવશે.
આરોપીઓએ ફરિયાદીના પરિવારને સમાજમાં ક્યાંય મોં બતાવવા લાયક ન રાખવાની ધમકી આપી હતી તેમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે
ભોગ બનનાર કિશનભાઈ કોળીએ આ સમગ્ર ઘટના અંગેના વોટ્સએપ વીડિયો કોલની હિસ્ટ્રી અને સ્ક્રીનશોટ સહિતના પુરાવા પોલીસને સોંપ્યા છે. પોલીસે અસ્ફાક વલીમહમદ મકરાણી તથા તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સો સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. નગર પાલિકા પ્રમુખના પતિ દ્વારા ખંડણી ની ફરિયાદ સ્થાનિક રાજકારણ અને પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
રિપોર્ટર: સંજય સોની, છોટાઉદેપુર