Kalol

ટીટોડીના ત્રણ ઈંડાંએ જગાવી વરસાદની આશા!

કાલોલની સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલના ધાબા પર સતત બીજા વર્ષે માળો, ખેડૂતોમાં સારા ચોમાસાની આશા પ્રબળ
સતત બીજા વર્ષે એક જ સ્થળે ટીટોડીનો માળો, ગત વર્ષે પણ નોંધાયો હતો સારો વરસાદ

કાલોલ, તા. ૩૦: કુદરતના સંકેતો અને લોકવાયકાઓ આજે પણ ગ્રામિણ જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કાલોલ શહેરની જાણીતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલના ધાબા પર સતત બીજા વર્ષે ટીટોડીએ ત્રણ ઈંડા મૂકતાં સ્થાનિકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે.

ગત વર્ષે પણ આ જ સ્થળે ટીટોડીએ ત્રણ ઈંડા મૂક્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકમાં સારો વરસાદ નોંધાયો હતો. આ વર્ષે ફરી એ જ ઘટનાનું પુનરાવર્તન થતાં ગ્રામજનોમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.

ઊંચી જગ્યાએ ઈંડા મૂકવા પાછળની લોકમાન્યતા, પ્રકૃતિના સંકેતો પર ખેડૂતોનો વિશ્વાસ અડગ

ગ્રામીણ પરંપરા અને લોકમાન્યતા મુજબ ટીટોડી પોતાના ઈંડા જ્યાં મૂકે છે તેના પરથી ચોમાસાના સ્વરૂપનો અંદાજ લગાવવામાં આવે છે. માન્યતા એવી છે કે જો ટીટોડી નીચાણવાળા વિસ્તારમાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ પડે, જ્યારે ઘરના ધાબા, ઊંચી ઈમારતો અથવા ઝૂંપડાની છત જેવી ઊંચી જગ્યાઓની પસંદગી કરે તો સારા અને ભરપૂર વરસાદના એંધાણ માનવામાં આવે છે.

લોકોનું માનવું છે કે ટીટોડી કુદરતી પરિસ્થિતિનો પૂર્વ અંદાજ લગાવી પોતાના ઈંડાને વરસાદના પાણીથી સુરક્ષિત રાખવા માટે ઊંચા સ્થળની પસંદગી કરે છે. વૈજ્ઞાનિક રીતે આ માન્યતાની પુષ્ટિ ભલે ન થઈ હોય, છતાં ગ્રામિણ વિસ્તારોમાં પ્રકૃતિના આવા સંકેતો પ્રત્યે આજે પણ ગાઢ વિશ્વાસ જોવા મળે છે.

કાલોલમાં બનેલી આ ઘટનાએ ખેડૂતોમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે. જો લોકમાન્યતા સાચી ઠરે તો ચાલુ વર્ષે પણ વિસ્તારમાં સારા ચોમાસાની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top