સુરત સાયબર ક્રાઇમ સેલે વજન ઘટાડવાની દવાના નામે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સુરતની એક ગૃહિણી પાસેથી માત્ર પાંચ મહિનામાં 1.77 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં ચાલતું લગભગ 150 કર્મચારીઓ ધરાવતું કોલ સેન્ટર ઝડપાયું છે, જ્યાંથી આ સમગ્ર ઠગાઈનું સંચાલન થતું હતું. સમગ્ર કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કંપનીના ડિરેક્ટરો સહિત કેટલાક મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુરતની એક ગૃહિણીને ફેસબુક પર વજન ઘટાડવાની દવાની આકર્ષક જાહેરાત જોવા મળી હતી. જાહેરાત પર ક્લિક કરતા જ આરોપીઓએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી સંપર્ક શરૂ કર્યો. તેઓએ પોતાને “Curest Science & Wellness Private Limited” કંપનીના નિષ્ણાત ડોક્ટર અને એડવાઇઝર તરીકે ઓળખાવ્યા હતા. કંપનીની વેબસાઇટ, પ્રેઝન્ટેશન અને વિશ્વાસપાત્ર વાતચીત દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ નામે વાત કરી દવાઓ મોકલવામાં આવી અને તેની બદલામાં મોટી રકમ વસૂલવામાં આવી હતી.
26 જાન્યુઆરી 2026થી શરૂ થયેલી આ છેતરપિંડીમાં આરોપીઓએ “ડૉ. એમ.કે. ખન્ના”, “પ્રિયા ગુપ્તા”, “તન્વી શર્મા” અને કુરિયર બોય જય તથા રાહુલ રાજ જેવા નકલી નામોનો ઉપયોગ કર્યો હતો. દવાના પાર્સલ પહોંચાડવા માટે પોતાના જ કર્મચારીઓને કુરિયર બોય તરીકે મોકલવામાં આવતા હતા. ફરિયાદી પાસેથી ઓનલાઈન માત્ર 15,000 લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીની સમગ્ર રકમ રોકડમાં વસૂલવામાં આવી હતી. કુલ મળીને ફરિયાદી પાસેથી 1,77,40,500 પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ આરોપીઓએ વધુ 81.50 લાખની માંગણી કરી હતી અને પૈસા નહીં આપો તો પહેલાથી આપેલી રકમ પણ જતી રહેશે તેમજ માનસિક રીતે પરેશાન કરવામાં આવશે તેવી ધમકી આપી હતી.
ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કરીને સુરતમાં ટ્રેપ ગોઠવ્યો હતો. જ્યારે એક કુરિયર બોય વધુ 81 લાખ લેવા આવ્યો ત્યારે તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછના આધારે ગુરુગ્રામમાં આવેલી કંપનીના કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી દેશભરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી નકલી દવા અને ખોટી સલાહના નામે છેતરપિંડી કરતું મોટું કોલ સેન્ટર ઝડપાયું હતું. ગુરુગ્રામ પોલીસે પણ આ મામલે અલગ ગુનો નોંધ્યો છે. પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં કુરિયર બોય તરીકે કામ કરતો મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ, કોલર તરીકે “તન્વી શર્મા”નું નામ ધારણ કરનાર હેના, પ્રિયા ગુપ્તા તરીકે વાત કરનાર નિશા કુમારી અને અન્ય એક કુરિયર બોય ઓમ પ્રકાશ રજાકનો સમાવેશ થાય છે. બીજી તરફ કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ, પંકજ શર્મા, મેનેજર દીપક તેમજ નકલી ડોક્ટર બની વાત કરનાર અસલાન હજુ ફરાર છે.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ અને દવાના પાર્સલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના બેંક ખાતામાં 8.30 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. ઉપરાંત મોટાભાગની રકમ રોકડમાં લેવામાં આવતી હોવાથી છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 75થી 80 કરોડ સુધીની છેતરપિંડી કરવામાં આવી હોવાની શંકા છે. કંપની દર મહિને દોઢથી બે કરોડ રૂપિયાનો ટાર્ગેટ પૂર્ણ કરતી હોવાનું પણ સામે આવ્યું છે. દિલ્હી અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ આ કંપની વિરુદ્ધ નકલી પ્રોડક્ટ અંગે ફરિયાદો નોંધાઈ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ વર્ષ 2021માં કંપની રજિસ્ટર કરાવી હતી અને સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો આપી લોકોનો વિશ્વાસ જીતતા હતા. સ્ટાન્ડર્ડ કુરિયર મારફતે દવા મોકલવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ હકીકતમાં કંપનીના કર્મચારીઓ જ વિમાન અથવા ટ્રેન મારફતે પાર્સલ લઈને પહોંચતા અને રોકડમાં રકમ વસૂલતા હતા. સુરત સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર દેખાતી લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરે અને કોઈપણ સારવાર કે પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની સત્તાવારતા ચકાસે.