પ્રથમ વરસાદી વાવાઝોડામાં 80 ટકા સુધી પાકને નુકસાન, લાખોના ફટકાથી ખેડૂતોમાં ચિંતા
એક ખેડૂતને રૂ. 5થી 7 લાખનું નુકસાન, તૈયાર પાક જમીનદોસ્ત
બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત સાથે આવેલા પ્રથમ વરસાદી વાવાઝોડાએ કેળની ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે તૈયાર ઉભેલા કેળના છોડ જમીનદોસ્ત થઈ જતા અનેક ખેતરોમાં અંદાજે 80 ટકા સુધીનો પાક નષ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
નુકસાનગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ એક ખેડૂતને સરેરાશ રૂ. 5 લાખથી 7 લાખ સુધીનું નુકસાન થયું છે. મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલો પાક એક જ વાવાઝોડામાં બરબાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
સર્વે પૂર્ણ છતાં વળતરનો પત્તો નહીં, ખેડૂતોમાં ઉગ્ર નારાજગી
ખેડૂતોનું કહેવું છે કે ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા નુકસાનનો સર્વે તો કરવામાં આવ્યો છે, પરંતુ વળતર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સમયસર સહાય મળશે તો આગામી પાકની વાવણી માટે આર્થિક ટેકો મળશે અને તેઓ ફરી ખેતી શરૂ કરી શકશે.
રિપોર્ટર: રિયાઝ સૈયદ