બોલિવુડમાં કેટલીક ફિલ્મો એવી હોય છે જે વર્ષો વીતી જાય છતાં દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા જાળવી રાખે છે. વર્ષ 2007માં આવેલી ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન’ પણ આવી જ ફિલ્મોમાંની એક છે. તેની અનોખી સ્ટોરી, ભાવનાત્મક પાત્રો, શાનદાર સંગીત અને ઇમરાન હાશ્મીના દમદાર અભિનયને કારણે આજે પણ આ ફિલ્મને ચાહકો ખૂબ પસંદ કરે છે. હવે લગભગ 19 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ ‘આવારાપન 2’નું ટીઝર સામે આવ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવુડ’માં બોલાયેલો એક સંવાદ – “આખું બોલિવુડ એક તરફ અને ઇમરાન હાશ્મી એક તરફ…” – સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ડાયલોગે ઇમરાન હાશ્મીના ચાહકોમાં ફરી એકવાર તેમના કમબેકને લઈને ઉત્સુકતા વધારી હતી. હવે ‘આવારાપન 2’ના ટીઝરે આ ઉત્સાહને વધુ બમણો કરી દીધો છે.
ટીઝરની શરૂઆત જ એક ભાવનાત્મક અંદાજમાં થાય છે. “દર્દ સે પુરાના રિશ્તા હૈ મેરા…” જેવા ડાયલોગ સાથે ઇમરાન હાશ્મી ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર ‘શિવમ’ તરીકે જોવા મળે છે. ટીઝરમાં તેમનો ઇન્ટેન્સ લુક, ગંભીર અભિવ્યક્તિ અને રહસ્યમય વાતાવરણ દર્શકોને સીધા જ પહેલી ફિલ્મની યાદ અપાવે છે. ખાસ વાત એ છે કે પહેલી ફિલ્મના અંત બાદ મોટાભાગના દર્શકો માનતા હતા કે શિવમની કહાની ત્યાં જ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ નવી ફિલ્મમાં આ પાત્રની વાપસી કેવી રીતે થાય છે, તેની પાછળ શું રહસ્ય છે અને કઈ નવી કહાની દર્શકોને જોવા મળશે, તેની ઝલક ટીઝરમાં જોવા મળે છે. જોકે મેકર્સે સ્ટોરી વિશે વધારે ખુલાસો કર્યો નથી, જેથી સસ્પેન્સ યથાવત્ રહે.
‘આવારાપન’ની સૌથી મોટી ઓળખ તેના સુપરહિટ ગીતો હતા. “તેરા મેરા રિશ્તા”, “માહિયા”, “તોહ ફિર આવો” જેવા ગીતો આજે પણ લોકોના પ્લેલિસ્ટમાં સામેલ છે. હવે ‘આવારાપન 2’ના ટીઝરમાં પણ સંગીતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જૂની ફિલ્મની લાગણી જાળવી રાખીને નવા અંદાજમાં રજૂ કરાયેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાહકોને ફરી એકવાર જૂની યાદોમાં લઈ જાય છે.
ટીઝરનું સિનેમેટોગ્રાફી પણ ખૂબ જ આકર્ષક છે. ડાર્ક ટોન, એક્શન, ભાવનાઓ અને રહસ્યમય દ્રશ્યો ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધારવાનું કામ કરે છે. ઇમરાન હાશ્મીનો સ્ક્રીન પ્રેઝન્સ પહેલાની જેમ જ પ્રભાવશાળી જોવા મળે છે. લાંબા સમય બાદ તેઓ ફરી એક વખત પોતાના જાણીતા ઇન્ટેન્સ અવતારમાં દેખાતા હોવાથી તેમના ચાહકો ખૂબ ખુશ છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ થયા બાદ ચાહકોની પ્રતિક્રિયાઓ પણ જોરદાર જોવા મળી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે બોલિવુડમાં આજે પણ ઇમરાન હાશ્મીની અલગ ઓળખ છે અને તેમની ફિલ્મોનું સંગીત તથા અભિનય હંમેશા યાદગાર રહે છે. કેટલાક ચાહકોએ તો લખ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ‘આવારાપન’ની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા.
ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી સ્ટોરી, અન્ય કલાકારો અથવા રિલીઝ અંગે વધુ માહિતી જાહેર કરી નથી. તેમ છતાં માત્ર ટીઝરે જ દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી દીધી છે. હવે સૌની નજર ફિલ્મના ટ્રેલર અને તેની સત્તાવાર રિલીઝ ડેટ પર છે. એકંદરે જોવામાં આવે તો ‘આવારાપન 2’ ની સિક્વલથી ઇમરાન હાશ્મીના કરિયરની એક મહત્વપૂર્ણ વાપસી પણ થઈ શકે છે. જો ફિલ્મ પહેલી આવારાપનની જેમ જ મજબૂત સ્ટોરી, યાદગાર સંગીત અને ભાવનાત્મક રજૂઆત સાથે આવે, તો તે બોક્સ ઓફિસ પર પણ મોટી સફળતા મેળવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે લગભગ બે દાયકા પછી શિવમની આ વાપસી દર્શકોના દિલમાં ફરી એ જ જાદુ સર્જી શકે છે કે નહીં.