Gujarat

ભાવનગરમાં લઠ્ઠાકાંડ ! મોતનો આંકડો વધ્યો, 20 દર્દીઓ સારવાર હેઠળ, હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર બોલાવી તાત્કાલિક બેઠક

ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ નકલી દારૂ પીધા બાદ લોકોની તબિયત લથડવાના કેસે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. તાજી માહિતી મુજબ અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે કુલ 20 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

ખરકડીની ઘટનામાં 4 લોકોનાં મોત

મળતી માહિતી મુજબ નકલી અથવા શંકાસ્પદ દારૂના સેવન બાદ લોકોની તબિયત બગડવા લાગી હતી. આ ઘટનામાં નરેન્દ્રસિંહ યાદવ, ઉપેન્દ્રસિંહ ગોહિલ સહીત અન્ય બીજા 2 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક યુવકના મોતની માહિતી સામે આવી હતી, પરંતુ હવે મૃત્યુઆંક વધીને 4 થયો છે.

આ મામલે શંકાસ્પદ દારૂની બોટલને લઈને પણ તપાસ ચાલી રહી છે. અગાઉ સામે આવેલી માહિતીમાં રોયલ સ્ટેગની બોટલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયાની વાત સામે આવી હતી. જોકે દારૂમાં ખરેખર કયો પદાર્થ હતો અને તેની ઝેરી અસરથી જ મોત થયાં કે નહીં, તે અંગે તપાસ બાદ સ્પષ્ટતા થશે.

17 દર્દીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર

નકલી દારૂની અસરથી બીમાર પડેલા કુલ 20 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ જ્યારે બીજા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા વધતા સમગ્ર આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. પોલીસ અને સંબંધિત ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો તથા શંકાસ્પદ દારૂના સ્ત્રોત અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક બેઠક બોલાવી

ઘટનાની ગંભીરતાને જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં DGP જી.એસ. મલિક, IBના વડા અશોકકુમાર યાદવ, લો એન્ડ ઓર્ડરના DGP સહિત પોલીસ કમિશનરો હાજર રહ્યા હતા. સમગ્ર કેસની તપાસ અને નકલી દારૂના નેટવર્ક સામેની કાર્યવાહી અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે.

4 બુટલેગરો પોલીસની પકડમાં

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 4 બુટલેગરોને ઝડપી પાડ્યા છે. મુખ્ય સપ્લાયર તરીકે ગૌતમ સોલંકીનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તપાસમાં મુખ્ય સવાલ એ છે કે શંકાસ્પદ દારૂ ક્યાંથી આવ્યો, ખરકડી સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની પાછળ અન્ય કેટલા લોકો કામ કરી રહ્યા છે.

મધ્યપ્રદેશથી દારૂ આવ્યો હોવાની પ્રાથમિક આશંકા

ભાવનગર પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ શંકાસ્પદ નકલી દારૂની બોટલો મધ્યપ્રદેશથી લાવવામાં આવી હોવાની આશંકા છે. જોકે આ બાબતની અંતિમ પુષ્ટિ તપાસ અને વૈજ્ઞાનિક અહેવાલ બાદ જ થશે. પોલીસે દરોડા અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આશરે 90% જેટલો જથ્થો જપ્ત કર્યો હોવાનો દાવો પણ સામે આવ્યો છે. હવે બાકીના જથ્થા અને સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા કાર્યવાહી ચાલી રહી છે.

SMCને સોંપાઈ સમગ્ર તપાસ

મામલો ગંભીર બનતા નકલી દારૂકાંડની તપાસ SMCને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ હવે નકલી દારૂના સ્ત્રોતથી લઈને વેચાણ સુધીની દરેક કડી શોધી રહી છે. આ સાથે પોલીસે પણ અલગ-અલગ સ્થળોએ તપાસ તેજ કરી છે. FSL અને અન્ય વૈજ્ઞાનિક તપાસના અહેવાલો આ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

છેલ્લા 2-3 દિવસમાં શંકાસ્પદ દારૂ પીધો હોય તો સાવધાન

ભાવનગર SPએ લોકોને અપીલ કરી છે કે છેલ્લા 2-3 દિવસમાં જો કોઈ વ્યક્તિએ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય અને તબિયતમાં કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. પોલીસનો પ્રયાસ એ છે કે વધુ લોકો અસરગ્રસ્ત ન બને અને જો કોઈ વ્યક્તિએ આ જ બેચનો દારૂ પીધો હોય તો તેને સમયસર સારવાર મળી શકે.

હવે તપાસમાં ખુલશે નકલી દારૂના નેટવર્કની કડીઓ

ભાવનગરની આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધી વચ્ચે નકલી દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ 4 લોકોનાં મોત અને 20 લોકો સારવાર હેઠળ છે, તો બીજી તરફ 4 આરોપીઓની ધરપકડ બાદ પોલીસની તપાસ હવે સપ્લાય નેટવર્કની ઊંડી કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ કેસમાં આગળ કેટલા આરોપીઓના નામ સામે આવે છે, નકલી દારૂનો જથ્થો ક્યાં તૈયાર થયો હતો અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે તેના પર હવે સૌની નજર છે.

Most Popular

To Top