National

યુએઈના હોટેલમાં પાકિસ્તાનીઓની ‘નો એન્ટ્રી’, ભારતીયો અને અમેરિકનોને મળ્યું સ્થાન

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના મંચ પર પોતાની શાખ બચાવવા માટે સતત લડાઈ લડી રહેલા પાકિસ્તાનને અખાતી દેશ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માંથી વધુ એક મોટો આંતરરાષ્ટ્રીય આંચકો લાગ્યો છે. યુએઈના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ નેશનલ અસંબલી સ્પીકર અને સાંસદ અસદ કૈસરે પોતાની જ સંસદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે દુબઈ અને યુએઈમાં પાકિસ્તાની નાગરિકો સાથે અત્યંત તુચ્છ કક્ષાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભારતીય અને અમેરિકી નાગરિકોને ખાસ માન-સન્માન અને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ફ્લાઈટ રદ થતાં હોટેલે રોકાવવાની ના પાડી

ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના કદ્દાવર નેતા અસદ કૈસરે નેશનલ અસંબલીના સત્ર દરમિયાન આ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો.

  • અસદ કૈસર પોતે યુએઈની યાત્રા પર હતા ત્યારે તેમની અને અન્ય મુસાફરોની ફ્લાઈટ અચાનક રદ થઈ ગઈ હતી.
  • નિયમ મુજબ વિમાન કંપની અને એરપોર્ટ પ્રશાસને મુસાફરોને રોકાવા માટે હોટેલની સુવિધા આપવાની હોય છે.
  • પરંતુ જ્યારે પાકિસ્તાની મુસાફરો હોટેલ પહોંચ્યા, ત્યારે ત્યાં સ્પષ્ટપણે રૂમ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો.

“માત્ર ભારત અને અમેરિકાના પાસપોર્ટ ધારકોને જ એન્ટ્રી”

પાકિસ્તાની સાંસદના જણાવ્યા મુજબ, હોટેલ પ્રશાસન અને એરપોર્ટ અધિકારીઓ દ્વારા એરપોર્ટ પર જાહેરમાં એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી હતી કે અહીં માત્ર ભારત અને અમેરિકાના પાસપોર્ટ ધરાવતા નાગરિકોને જ રોકાવાની મંજૂરી આપવામાં આવશે. કૈસરે સંસદમાં કહ્યું કે પાકિસ્તાની મુસાફરોએ આ ભેદભાવ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેમની કોઈ સુનાવણી કરવામાં આવી નહોતી. તેમણે પીડા વ્યક્ત કરતાં કહ્યું કે “ભાઈ જેવા ઇસ્લામિક દેશ” માં પાકિસ્તાની નાગરિકોનો આ રીતે અનાદર થવો એ અત્યંત શરમજનક બાબત છે.

પાકિસ્તાન સરકારી સ્તરે વિરોધ નોંધાવે તેવી માગ

અસદ કૈસરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રીને વિનંતી કરી છે કે તેઓ યુએઈ સરકાર સામે કૂટનીતિક સ્તરે આ ભેદભાવપૂર્ણ વલણનો કડક વિરોધ નોંધાવે. તેમણે ઉમેર્યું કે યુએઈના નિર્માણ અને વિકાસમાં લાખો પાકિસ્તાની મજૂરો અને પ્રોફેશનલ્સનો મોટો ફાળો રહ્યો છે, છતાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોના કદ સામે પાકિસ્તાની પાસપોર્ટની કોઈ કિંમત રહી નથી તે વાત આ ઘટનાથી ફરી એકવાર સાબિત થઈ ગઈ છે.

યુએઈમાં વસતા 15 લાખ પાકિસ્તાનીઓમાં ચિંતા

હાલમાં યુએઈમાં લગભગ 15 લાખથી વધુ પાકિસ્તાનીઓ વસવાટ કરે છે. આ ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાનના મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાની મુસાફરો સાથે થયેલા આ અપમાનજનક વ્યવહારને કારણે હવે સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાની નાગરિકો પોતાની જ સરકારની નબળી વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટેલી સાખ માટે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top