કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા સજ્જન કુમારનું ગુરુવારે 80 વર્ષની વયે અવસાન થયું. સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. 1984 ના શીખ વિરોધી રમખાણો સંબંધિત ત્રણમાંથી બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેઓ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
1984 ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. 1984 ના શીખ વિરોધી રમખાણો સંબંધિત બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેઓ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. રમખાણો સાથે જોડાયેલા બે કેસમાં કુમારને સજા ફટકારવામાં આવી હતી અને એકમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
જે કેસમાં સજ્જન કુમાર સજા ભોગવી રહ્યા હતા..
દિલ્હી છાવણીના પાલમ કોલોની વિસ્તારમાં પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને બાળી નાખવાના કેસમાં સજ્જન કુમાર દોષિત જાહેર થયા હતા. ડિસેમ્બર 2018 માં દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો હતો જેમાં તેમને ગુનાહિત કાવતરું અને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 17 ડિસેમ્બર, 2018 ના રોજ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2023 માં રાઉઝ એવન્યુ કોર્ટે તેમને દિલ્હીના સુલતાનપુરીમાં બે શીખોની હત્યા સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. રમખાણો કેસમાં સીબીઆઈની મુખ્ય સાક્ષી ચામ કૌરે આરોપ લગાવ્યો હતો કે સજ્જન ટોળાને ઉશ્કેરી રહ્યો હતો અને આ ઉશ્કેરણીથી હત્યાઓ થઈ હતી.
નોંધનીય છે કે સરદાર જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની સરસ્વતી વિહારમાં ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ હત્યા કરવામાં આવી હતી. એક ટોળાએ બંને માણસો પર લોખંડના સળિયા અને લાકડીઓથી હુમલો કર્યો હતો ત્યારબાદ તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સજ્જન કુમારને આ કેસમાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૨૫ ફેબ્રુઆરીએ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
31 ઓક્ટોબર 1984 ના રોજ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1 નવેમ્બરથી દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. દિલ્હીમાં આશરે 2,700 લોકો મૃત્યુ પામ્યા હતા અને દેશભરમાં લગભગ 3,500 લોકો મૃત્યુ પામ્યા હતા. મે 2000 માં જીટી નાણાવટી કમિશનની રચના કરવામાં આવી હતી. તેની ભલામણો પર કાર્ય કરતા સીબીઆઈએ 24 ઓક્ટોબર, 2005 ના રોજ કેસ નોંધ્યો હતો.
2010 માં ટ્રાયલ કોર્ટે સજ્જન કુમાર સહિત અનેક આરોપીઓને સમન્સ પાઠવ્યા હતા. 2013 માં સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા પછી સીબીઆઈએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. 17 ડિસેમ્બર, 2018 ના રોજ દિલ્હી હાઇકોર્ટે સજ્જન કુમારને પાંચ શીખોની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રમખાણોના 21 વર્ષ પછી 2005માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે સંસદમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે આ ઘટનાથી તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું.