ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આજરોજ 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝુમી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા માટે સંરક્ષણ ભાગીદારીને વધુ ઊંડી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત-જાપાનના ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ’ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ સહયોગની સમીક્ષા કરી હતી. બંને દેશોના સંરક્ષણ મંત્રાલયો અને સેનાઓ વચ્ચેના સહયોગને વધુ વ્યૂહાત્મક અને વ્યવહારુ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. જુલાઈ 2026માં બંને દેશોના નેતાઓ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનને ધ્યાનમાં રાખીને મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો.
હાલના સમયમાં વિશ્વભરમાં સુરક્ષા અને ભૂરાજકીય તણાવ વધી રહ્યો છે ત્યારે ભારત અને જાપાને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સ્થિતિ અંગે એકબીજા સાથે સતત માહિતી અને મૂલ્યાંકન વહેંચવાનું મહત્વ સ્વીકાર્યું હતું. બંને દેશોએ નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા તથા સુરક્ષાને નુકસાન પહોંચાડતી એકતરફી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત બળ અથવા દબાણ દ્વારા કોઈપણ વિસ્તારમાં વર્તમાન સ્થિતિ બદલવાના પ્રયાસો સામે પણ બંને દેશોએ સ્પષ્ટ વલણ વ્યક્ત કર્યું હતું. બેઠકનું સૌથી મહત્વનું પરિણામ દરિયાઈ સુરક્ષા સહયોગ સાથે જોડાયેલું રહ્યું. ભારત અને જાપાને મેરિટાઇમ સિક્યુરિટી કોઓપરેશન અંગે મેમોરેન્ડમ ઓફ એરેન્જમેન્ટ એટલે કે MoA પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે સહયોગ માટે એક નક્કર માળખું પૂરું પાડશે.
આ સહયોગમાં જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ અને ભારતીય નૌકાદળ વચ્ચે સહકાર વધારવામાં આવશે. ખાસ કરીને મેરિટાઇમ ડોમેન અવેરનેસ એટલે કે સમુદ્રમાં થતી ગતિવિધિઓ અંગેની માહિતીની આપ-લે પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્ચ એન્ડ રેસ્ક્યૂ તથા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો સાથે મળીને કામ કરશે. ભારત અને જાપાનના નૌકાદળ વચ્ચે જહાજોની પરસ્પર મુલાકાત, સંયુક્ત કવાયત અને નિષ્ણાતોની આપ-લે વધારવાની પણ યોજના છે. બંને દેશો બંદરો, જાળવણી અને સમારકામની સુવિધાઓનો ઉપયોગ કરીને લોજિસ્ટિક સપોર્ટ વધારશે. તેનો મુખ્ય હેતુ સમુદ્રી માર્ગો એટલે કે Sea Lines of Communicationને સુરક્ષિત રાખવાનો છે. આ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
બંને દેશોએ દરિયાઈ સુરક્ષામાં પોતાની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરવા માટે નવી શક્યતાઓ શોધવાની પણ ચર્ચા કરી હતી. ખાસ કરીને માઇન કાઉન્ટરમેઝર્સ એટલે કે સમુદ્રમાં વિસ્ફોટક માઇન સામેની સુરક્ષા ક્ષમતામાં સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. સાથે જ જાપાનની ટેક્નોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરીને નૌકાદળના જહાજોના ડિઝાઇન અને નિર્માણમાં સંયુક્ત વિકાસની શક્યતાઓ શોધવાની વાત થઈ હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ જાપાનની ટેક્નોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાને જોડીને સંરક્ષણ ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ હાથ ધરવાની શક્યતા પણ ચર્ચાઈ હતી. બંને દેશો જહાજ નિર્માણ અને અન્ય સંરક્ષણ ક્ષેત્રોમાં એકબીજાની કુશળતાનો ઉપયોગ કરવા માંગે છે. જહાજોની મરામત માટેની સુવિધાઓ બંને દેશો વચ્ચે ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે.
સંયુક્ત સૈન્ય કવાયતોને પણ વધુ વ્યાપક બનાવવામાં આવશે. ભારત અને જાપાન વચ્ચે થતી ‘ધર્મ ગાર્ડિયન’ આર્મી કવાયત અને ‘JAIMEX’ મેરિટાઇમ કવાયતને વધુ ઊંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષે યોજાનારી ‘વીર ગાર્ડિયન 26’ એરફોર્સ કવાયતને લઈને પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આ કવાયત દરમિયાન જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના ફાઇટર વિમાન પ્રથમ વખત ભારત આવશે અને ભારતીય વાયુસેના સાથે કવાયતમાં ભાગ લેશે. બંને દેશો હવે સૈન્ય કવાયતોમાં માનવરહિત પ્રણાલીઓ અને વધુ જટિલ ઓપરેશનલ પરિસ્થિતિઓનો સમાવેશ કરવા માંગે છે. જરૂરિયાત મુજબ ટૂંકા સમયમાં સંયુક્ત કવાયત કરવાની ક્ષમતા વિકસાવવાની દિશામાં પણ બંને પક્ષોએ સહમતી દર્શાવી છે.
ભારત અને જાપાનની સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભારત દ્વારા ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડની સ્થાપના બાદ જાપાન સાથે આ ક્ષેત્રમાં સહયોગ આગળ વધારવામાં આવશે. સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ વધવાની શક્યતા છે. રાજનાથ સિંહે જાપાન દ્વારા સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજી ટ્રાન્સફર માટેના નિયમોમાં કરવામાં આવેલી તાજેતરની સમીક્ષાનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચે ટેક્નોલોજી અને સંરક્ષણ ઉદ્યોગના સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
શિપબોર્ન UNICORN ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન્સ એન્ટેના સિસ્ટમને બંને દેશો વચ્ચેના પ્રથમ ડિફેન્સ ઇક્વિપમેન્ટ ટ્રાન્સફર પ્રોજેક્ટ તરીકે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. ભારત અને જાપાન આ પ્રોજેક્ટને વહેલી તકે અમલમાં લાવવા માટે સાથે મળીને કામ કરશે. આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજી ટ્રાન્સફર વધતા સહયોગનું પ્રતીક બની શકે છે. આ ઉપરાંત ભારતની DRDO અને જાપાનની ATLA વચ્ચે અત્યાધુનિક સંરક્ષણ ટેક્નોલોજીમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ સહયોગ વધારવાની પણ સંમતિ થઈ છે. બંને દેશોએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફોરમ યોજવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે, જેના માધ્યમથી બંને દેશોની સંરક્ષણ કંપનીઓ અને ઉદ્યોગોને વધુ નજીક લાવી શકાય.
ભારત, જાપાન અને ઇન્ડોનેશિયા વચ્ચે ફેબ્રુઆરી 2026માં યોજાયેલી પ્રથમ ત્રિપક્ષીય નૌકાદળ PASSEX કવાયતનું પણ બંને મંત્રીઓએ સ્વાગત કર્યું હતું. ઇન્ડો-પેસિફિકમાં અન્ય દેશો સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠકો, સંયુક્ત કવાયતો અને અન્ય પહેલ દ્વારા સહયોગ વધારવાની દિશામાં બંને દેશો આગળ વધશે. કુદરતી આપત્તિના સમયે ભાગીદાર દેશોને મદદ પહોંચાડવા માટે ઇન્ડો-પેસિફિક લોજિસ્ટિક્સ નેટવર્ક દ્વારા સહયોગ વધારવાની પણ ચર્ચા થઈ હતી. આ નેટવર્ક મારફતે જરૂરી સામગ્રી અને કર્મચારીઓને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ મળી શકે છે. સપ્ટેમ્બર 2026માં જાપાનના સંરક્ષણ મંત્રાલય ખાતે IPLNની બીજી ટેબલટોપ કવાયત યોજાવાની છે.
બંને દેશો આ વર્ષે ટોક્યોમાં ચોથી જાપાન-ભારત ‘2+2’ ફોરેન એન્ડ ડિફેન્સ મિનિસ્ટ્રીયલ મીટિંગ યોજવા માટેની ચર્ચાઓ પણ ઝડપી બનાવશે. આ બેઠકમાં બંને દેશોના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓ સાથે મળીને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સમગ્ર સહયોગને વધુ અસરકારક બનાવવા માટે ડાયરેક્ટર જનરલ અને સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓની આગેવાની હેઠળ એક વર્કિંગ ગ્રુપ બનાવવાની પણ સંમતિ થઈ છે. આ ગ્રુપ ઓપરેશનલ, ઇન્ટેલિજન્સ, સાધનસામગ્રી, ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં સહયોગનું સંકલન કરશે અને વિવિધ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં મદદ કરશે.
બેઠક પહેલાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝુમીએ નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમને ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કોઇઝુમીએ મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને ભારતીય નૌકાદળના જહાજ INS ચેન્નાઈની પણ મુલાકાત લીધી હતી. આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે ભારત અને જાપાન વચ્ચેનો સંરક્ષણ સંબંધ હવે માત્ર સંયુક્ત સૈન્ય કવાયત પૂરતો મર્યાદિત રહ્યો નથી. દરિયાઈ સુરક્ષા, જહાજ નિર્માણ, ટેક્નોલોજી ટ્રાન્સફર, સંરક્ષણ સંશોધન, લોજિસ્ટિક સપોર્ટ અને સંયુક્ત ઓપરેશન સુધી બંને દેશો સહયોગનો વ્યાપ વધારી રહ્યા છે. ઇન્ડો-પેસિફિકમાં બદલાતા સુરક્ષા વાતાવરણ વચ્ચે ભારત અને જાપાનની આ વધતી ભાગીદારી બંને દેશો માટે તેમજ સમગ્ર ક્ષેત્રની સ્થિરતા માટે મહત્વપૂર્ણ બની શકે છે.