World

પનામા સરકારે પનામા નહેરના 2 મુખ્ય બંદરો બળજબરીથી જપ્ત કર્યા, અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય તણાવના કારણે બંદરો જપ્ત કરાયા

આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને રાજકારણમાં અચાનક એક બહુ મોટો કાનૂની વિસ્ફોટ થયો છે. હોંગકોંગ સ્થિત જાણીતી સંસ્થા સીકે હચિસન હોલ્ડિંગ્સે પનામા સરકાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા એટલે કે આર્બિટ્રેશન કાર્યવાહી શરૂ કરીને 1.5 અબજ ડોલરથી વધુ એટલે કે લગભગ 12,500 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે. પનામા નહેરના બંને છેડે આવેલા બે અત્યંત મહત્વપૂર્ણ પોર્ટ બાલબોઆ અને બાલબોઆ ક્રિસ્ટોબલને સ્થાનિક સરકારે બળજબરીપૂર્વક જપ્ત કરી લીધા બાદ આ કાનૂની જંગ છેડાયો છે. કંપનીએ આ પગલાંને દ્વિપક્ષીય રોકાણ સંધિનું ઉલ્લંઘન અને પોતાના રોકાણો પરનો સીધો સરકારી હુમલો ગણાવ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચેના તણાવમાં પીસાયા પોર્ટ્સ

પનામા કેનાલના આ બે વ્યૂહાત્મક બંદરો છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.

  • હોંગકોંગના અબજોપતિ લી કા-શિંગના નેતૃત્વ હેઠળની સીકે હચિસનની સબસિડિયરી કંપની પનામા પોર્ટ્સ કંપની 1997થી આ બંદરોનું સંચાલન કરતી હતી.
  • વર્ષ 2021માં આ કરારને વધુ 25 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
  • પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકારે પનામા નહેર પર ચીનના વધી રહેલા પ્રભાવ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
  • આ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પનામાની સુપ્રીમ કોર્ટે કરારને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને ફેબ્રુઆરી 2026માં સુરક્ષા દળોએ બંને બંદરોનો કબજો મેળવી લીધો હતો.

કંપનીએ લીધો કાનૂની માર્ગ, અગાઉ 2 અબજ ડોલરનો પણ દાવો

આ કાનૂની લડાઈ હવે વધુ જટિલ બની ગઈ છે કારણ કે કંપની અને તેની સબસિડિયરી બંનેએ અલગ-અલગ દાવો કર્યો છે. સીકે હચિસનની સબસિડિયરી પનામા પોર્ટ્સ કંપનીએ માર્ચમાં જ આંતરરાષ્ટ્રીય ચેમ્બર ઓફ કોમર્સમાં 2 અબજ ડોલરથી વધુના નુકસાનનો દાવો દાખલ કર્યો હતો. જ્યારે 20 ઓગસ્ટ 2026ના રોજ સીકે હચિસને પોતે આંતરરાષ્ટ્રીય રોકાણ સંધિ હેઠળ બીજો સ્વતંત્ર દાવો દાખલ કરીને 1.5 અબજ ડોલરથી વધુનું વળતર માગ્યું છે. કંપનીનું કહેવું છે કે પનામા સરકારે દાયકાઓ જૂના કોન્ટ્રાક્ટને ગેરકાનૂની રીતે રદ કરીને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ તોડ્યો છે.

બ્લેકરોક સાથેની કરોડો ડોલરની ડીલ અટવાઈ

પનામા સરકારના આ એકતરફી નિર્ણયને કારણે સીકે હચિસનનો વૈશ્વિક પોર્ટ્સ બિઝનેસ વેચવાનો વિશાળ પ્લાન પણ વિવાદમાં સપડાયો છે. કંપનીએ અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકરોકના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમને પોતાના વૈશ્વિક પોર્ટ્સ બિઝનેસ 23 અબજ ડોલરમાં વેચવાની પ્રારંભિક યોજના બનાવી હતી. પરંતુ પનામાના આ બંને બંદરો જપ્ત થઈ જવાથી અને ચીન, અમેરિકા તથા પનામા વચ્ચે ચાલતી ત્રિપાંખિયા રાજકીય ખેંચતાણના કારણે આ અબજો ડોલરનો સોદો અધ્ધરતાલ થઈ ગયો છે.

વૈશ્વિક દરિયાઈ વેપાર પર પડશે ગંભીર અસર

દરિયાઈ ક્ષેત્રના નિષ્ણાતોના મતે પનામા નહેર પરથી પસાર થતો વૈશ્વિક વેપાર આ કાનૂની જંગના કારણે પ્રભાવિત થઈ શકે છે. પનામા સરકારે ડેનિશ શિપિંગ કંપની માર્સ્કને પણ આ બંદરોના સંચાલનમાં સામેલ કરી છે, જેની સામે પણ કાનૂની નોટિસો મોકલવામાં આવી છે. જો આંતરરાષ્ટ્રીય અદાલતમાં પનામા સરકાર દોષિત ઠરશે તો તેણે અબજો ડોલરનું ભારે વળતર ચૂકવવું પડી શકે છે, જે નાના દેશ માટે આર્થિક સંકટ ઊભું કરી શકે છે.

Most Popular

To Top